• બેફામ શાળા સંચાલકો ‘ફી’માં રાહત આપવા તૈયાર નથી • વાલીઓની સરકારના નિર્ણય પર નજર

અમદાવાદ, તા.૧૮
કોરોના મહામારીમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં છેક માર્ચ મહિનાથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ સમયગાળા દરમ્યાન ખાનગી શાળા સંચાલકો અને વાલીઓમાં ફી મુદ્દે અનેકવાર દલીલો થઈ હતી. શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ટ્યુશન ફી સહિતની તમામ ફી ભરવા માટે વાલીઓને દબાણ કર્યું હતું પરંતુ ફી ભરવા મામલે વાલીઓએ આંદોલન કર્યું હતું અને આ દરમ્યાન સરકારે મધ્યસ્થી માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા ત્યારે ગુજરાત સરકાર તરફથી હાઈકોર્ટમાં કરવામાં આવેલ અરજીનો નિકાલ કર્યો છે. હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતા સરકારને કહ્યું કે તમે પોતે તમારી રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ‘ફી’ બાબતે પરિપત્ર જાહેર કરો.
હાઈકોર્ટ દ્વારા સરકારને આપેલ આદેશ બાદ વાલીઓ હવે સરકાર શું નિર્ણય લે છે તેના પર મીટ માંડીને બેઠા છે. આ બાબતે થોડીક વિગતો જોઈએ તો અગાઉ હાઈકોર્ટે સરકાર અને સંચાલકોને સાથે બેસીને ફી માળખું નક્કી કરવાનો આદેશ કર્યો હતો. જો કે સરકારની ભલામણ પ્રમાણેની ફી સ્વીકારવા માટે સંચાલકો તૈયાર ન હોવાથી ગુજરાત સરકાર ફરીથી હાઈકોર્ટમાં ગઈ હતી. સાથે જ હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં આ મુદ્દે કોર્ટમાં આવે છે તે દુઃખદ છે. ગુજરાત હાઈકોર્ટમાં ફી મામલે સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેંન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરી હતી ત્યારે, ખાનગી શાળા સંચાલકો ફિક્સ ફી ઘટાડવા માટે રાજી થઈ ગયા છે. તદુપરાંત સરકારનો કાન આમળતા હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે, એપેડમિક એક્ટ હેઠળ રાજ્ય સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે ત્યારે અમને મધ્યસ્થી માટે કેમ કહો છો ? ત્યાં જ આ મામલે એડવોકેટ જનરલે કહ્યું છે કે, હાલમાં સરકારે ફી મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી.
ફી ઘટાડવા બાબતે મધ્યસ્થી બનવા સરકારે કરેલી અરજી સંબંધમાં હાઈકોર્ટે એવું પણ તારણ કર્યું છે કે સરકાર પોતે કેમ નિર્ણય નથી લેતી અને અમને મધ્યસ્થી બનાવવા માંગે છે. હાઈકોર્ટે મધ્યસ્થી શા માટે બનવું જોઈએ અને સરકાર આ માટે પોતે જ નિર્ણય લે અને તેનો અમલ કરે. આ તારણો સાથે હાઈકોર્ટે મધ્યસ્થી બનવા અંગેની સરકારની અરજીનો નિકાલ કર્યો હતો. આમ ‘ફી’ ઘટાડવા અંગેનો અંતિમ નિર્ણય હાઈકોર્ટે સરકાર પર જ છોડ્યો છે.
રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની રપ ટકા ફી માફ કરવા દરખાસ્ત આપી હતી. જેનો સંચાલકોએ ઈન્કાર કર્યો હતો. સંચાલકો ફી માફી આપવા કે નમતું જોખવા તૈયાર નથી ત્યારે રાજ્ય સરકાર કેવો નિર્ણય લે તેના પર નજર છે.
આ મામલે વાલી મંડળના પ્રમુખ નરેશભાઈએ ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો છે અને કહ્યું છે કે હાઈકોર્ટે સરકારને ફી નક્કી કરવાની છૂટ આપી છે. અમે સરકાર તરફથી જે પણ નિર્ણય આવશે તેને વધાવી લઈશું. જો સંચાલકો સરકારની વાત પણ નહીં માને તો આખા ગુજરાતના વાલીઓ આંદોલનના માર્ગે જશે અને રાજ્ય મુખ્યમંત્રીને રજૂઆત કરીને શાળાઓની માન્યતા રદ કરવાની માગણી કરવામાં આવશે.
જો કે થોડા સમયમાં ગુજરાત આ વિશે માહિતી આપી શકે છે અથવા કોઈ જાહેરાત કરી શકે છે. હાલમાં સમગ્ર રાજ્યના વાલીઓ સરકાર દ્વારા ફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવે તેની રાહ જોઈને બેઠા છે.