(એજન્સી) મુંબઈ, તા.ર૩
બોલીવુડ મશહુર ગાયક પાપોનનો એક વિવાદાસ્પદ વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ પાપોન સામે નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટમાં ફરિયાદ કરાઈ છે. ગાયક પર એક નાની બાળકીને ખોટી રીતે ચુંબન કરવાનો આરોપ લાગ્યો છે. એક ટીવી રિપોર્ટ મુજબ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સુુપ્રીમકોર્ટના વકીલ રૂના ભુયાને નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટમાં ગાયક પાપોન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, બાળકી સાથે પાપોનનો વ્યવહાર હેરત પમાડે તેવો છે. વીડિયો જોઈ રિયાલિટી શોમાં બાળકોની સુરક્ષા અંગે ખૂબ જ ચિંતિત છું. રિયાલિટી શોમાં ‘ધ વોઈસ ઓફ ઈન્ડિયા કિસ’માં હોળીના તહેવારવાળો એક ખાસ એપિસોડ શરૂ કરાયો. શુટીંગ બાદ પાપોન શોના બાળકો સાથે મોજમસ્તીના મૂડમાં બેઠયો હતો. પાપોનના ફેસબુક પેજ પર આ વીડિયોને અપલોડ કરાયો હતો જેમાં બાળકો અને પાપોન હોળીના જશ્નમાં બાળકો સાથે નાચતો-ગાતો જોવા મળ્યો હતો. છેલ્લે પાપોન એક બાળકીને કિસ કરતો નજરે પડે છે. તે પછી તરત જ તેણે ફેસબુક લાઈવ બંધ કરવા કહ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થયો. પાપોનના આ વર્તનને જોઈને લોકો પરેશાન થઈ ગયા.