(એજન્સી) તા.૪
એક મુલાકાતમાં ખાલસા એઇડના સીઈઓ રવિન્દરસિંઘે કહ્યું કે તેઓ ખેડૂતોના વિરોધ સ્થળો પર જે કાર્ય કરે છે તેના માટે દાનની માંગણી કરી નથી. તેઓ ખેડૂતો માટે નાણાં એકઠા કરી રહ્યા નથી, કારણ કે તેમની પાસે ખાલસા એઇડ ઇન્ડિયામાં ભંડોળ છે. રવિસિંઘે દલીલ કરી હતી કે જો ખાલસા એઇડ ભારતમાં પૈસા મોકલે, તો પણ તે સમસ્યા કેમ હોવી જોઈએ. “લોકોના કલ્યાણ માટે મોકલવામાં આવતા અમુક હજાર રૂપિયા સરકારને કેમ તકલીફ આપે છે, અને પનામા અથવા સ્વિસ બેંકના ખાતામાં અબજો કોઈ તકલીફ આપતા નથી. આ ગૂંચવાડો સુલઝાવવા ભારતને રાજનીતિજ્ઞની જરૂર છે, રાજકારણીની નહીં.” તેમણે કહ્યું કે તેઓ લંગર પર બહુ પૈસા ખર્ચતા નથી કારણ કે ઓછામાં ઓછી ૮૦% સહાય લોકો દ્વારા જ આપવામાં આવી રહી છે. જ્યારે પંજાબમાં ધરણા પર બેઠા હતા ત્યારે ખાલસા એઇડે વિરોધ પ્રદર્શનકારીઓને મદદ કરવાનું શરૂ કર્યું. ત્યાં તેઓએ લંગર લગાવી દીધા હતા અને ખેડૂતો દિલ્હી ગયા ત્યારે તેમની સહાય પણ મોટી થઈ હતી. તેઓએ તેમના સમુદાય રસોડાનું આયોજન પ્રથમ સિંઘુમાં, ત્યારબાદ ટિક્રી બોર્ડર પર પણ કર્યું. ઇન્ટરવ્યૂમાં સિંઘે કહ્યું કે, તેઓએ આવા શિયાળામાં ૩૦૦થી વધુ વૃદ્ધ ખેડૂતો માટે સિંઘુ ખાતે તંબુમાં રહેવાની વ્યવસ્થા ગોઠવી છે. આ ઉપરાંત, તેઓએ અગ્નિશામક ઉપકરણો, મચ્છર મારવાની દવા અને ગિઝર આપ્યા છે. આ બધું હવે ટિક્રી પર પણ છે. સિંઘે જણાવ્યું કે લોકોની ઉદારતાને કારણે કિસાન મોલ્સ સ્થાપવામાં આવ્યા છે. ખાલસા એઇડે જરૂરી પુરવઠા માટે આ ‘મોલ’ સ્થાપવાનો નિર્ણય કર્યો. દરેક ખેડૂતને ટોકન આપવામાં આવશે અને તેઓ કોઈપણ જરૂરી ચીજવસ્તુ મફતમાં લઈ શકશે. સિંઘે કહ્યું,“અમે ગાઝિયાબાદ અને રાજસ્થાન સરહદે પણ ખોરાક પહોંચાડ્યો છે. ‘સેવા’ દરેક ક્ષેત્રના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહી છે જે અમને ખેડૂતોની સેવા કરવામાં મદદ કરે છે, જેના કારણે આ જગ્યા એક આદર્શ સ્થળ બની ગઈ છે. તે એક એવા વિશ્વનું નિર્માણ કરી રહ્યું છે જે સહનશીલ અને આદરણીય છે, જે ભારત સરકારમાં ઉચ્ચ સ્તરે ગાયબ છે. આ વસ્તુ ‘વિભાજન અને શાસન’ નીતિનો ઉપયોગ કરનારાઓને તકલીફ પહોંચાડે છે.” સિંઘે ભારપૂર્વક કહ્યું કે, “અમે જરૂરતમંદ દરેકને મદદ કરીશું. ઉત્તરાખંડમાં, મોટાભાગે હિન્દુ યાત્રાળુઓ હતા. કોઈએ અમને તેમની મદદ કરવાનું કહ્યું નહીં. અમે પોતાની જાતે આગળ વધ્યા. જો તમારે વધુ સારું ભારત બનાવવું હોય તો તેની શરૂઆત સામાજિક ન્યાયથી થાય છે. તમારે અંદરથી બદલવું પડશે અને વૃદ્ધોને અંદરથી તોડવા ન જોઈએ.” તેમણે ઉમેર્યું કે ચોક્કસ સમાચાર સંગઠનો દ્વારા કરવામાં આવેલા બદનામીના અભિયાન બાદ ખાલસા એઇડના ભારતના સમર્થકોમાં વધારો થયો છે. તે માત્ર શીખ લોકો જ નથી. સિંઘે કહ્યું,“જો અમે આતંકવાદી હોત તો યુકે પોલીસે અમારી ધરપકડ કરી હોત, અથવા તો ભારતમાં અમારા પર કેસ ચાલ્યો હોત. સરકાર દ્વારા જરૂર મુજબના તમામ કાગળો સરકારની એજન્સીઓને અમે પૂરા પાડી રહ્યા છીએ.”
– એશ્લિન મેથ્યુ
(સૌ. : નેશનલ હેરાલ્ડ ઈન્ડિયા)