નવી દિલ્હી,તા.૮
કોવિડ-૧૯ પછી રમતને ફરીથી ટ્રેક પર લાવવા માટે બધા ક્રિકેટ બોર્ડ પ્રેક્ષકો વગર મેચ યોજવાના વિકલ્પ અંગે વિચારી રહ્યા છે. આ અંગે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ક્રિકેટ દર્શકો વગર રમાય છે, પરંતુ સ્ટેડિયમમાં રોમાંચ અને જાદુઈ લાગણીનો અભાવ જોવા મળશે. કોહલીએ શોમાં કહ્યું હતું કે, દર્શકો વિના મેચ થવી શક્ય છે. સાચું કહું તો, મને ખબર નથી કે બધા લોકો આને કઈ રીતે લેશે, કારણ કે અમે બધા દર્શકોથી ભરેલા મેદાનમાં રમવા માટે ટેવાયેલા છીએ. ટી ૨૦ વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે. પરંતુ કોરોનાવાયરસના કારણે ટૂર્નામેન્ટ રમાશે કે નહિ, તે અંગે હજી અનિશ્ચિતતા છે. ભારતીય કેપ્ટનએ કહ્યું, હું જાણું છું કે આ મેચ પણ સારી ભાવનાથી રમવામાં આવશે, પરંતુ દર્શકોનો ખેલાડીઓ સાથે કનેક્ટેડ રહેવાનો અનુભવ અને સ્ટેડિયમમાં મેચનું દબાણ જે દરેક અનુભવે છે, તે લાવવું અઘરું છે. વસ્તુઓ ચાલ્યા કરશે, પણ મને નથી લાગતું કે કોઈ તે જાદુ અનુભવશે જે સ્ટેડિયમના વાતાવરણમાં અનુભવાય છે.