(એજન્સી)વોશિંગ્ટન, તા. ૧૨
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે શેખી મારતા કહ્યું છે કે, પત્રકાર જમાલ ખાશોગીની હત્યા બાદ તેમણે સઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને બચાવ્યા હતા. પત્રકાર બોબ વૂડવર્ડે પોતાના તાજેતરના પુસ્તકમાં આ અંગેનો દાવો કર્યો છે. સમાચાર એજન્સીએ પુસ્તકને ટાંકતા લખ્યુ છે કે, ઓક્ટોબર ૨૦૧૮માં ખાશોગીની હત્યા બાદ ટ્રમ્પે કહ્યું કે, મેં કોંગ્રેસમાંથી મોહમ્મદ બિન સલમાનને બચાવ્યા હતા. હું કોંગ્રેસને રોકી શકવામાં સફળ રહ્યો હતો. મેં કોંગ્રેસથી મોહમ્મદ બિન સલમાનનો પીછો છોડાવ્યો હતો.
વોશિંગ્ટન પોસ્ટમાં ઓપિનિયન કોલમિસ્ટ જમાલ ખાશોગી અમેરિકામાં રહેતા હતા. વર્ષ ૨૦૧૮માં તેઓ પોતાની મંગેતર હેટિઝ સેંગિઝ સાથે ઇસ્તાંબૂલમાં આવેલા સઉદી અરબના દૂતાવાસમાં પહોંચ્યા હતા. મંગેતર સાથે લગ્ન કરવાને લઇને તેઓ કેટલાક કાગળો સાથે દૂતાવાસની અંદર ગયા હતા જ્યારે તેમની મંગેતર બહાર ઊભી હતી. એવું કહેવાય છે કે, દૂતાવાસની અંદર જ ૫૯ વર્ષના ખાશોગીની નિર્મમ રીતે હત્યા કરી દેવાઇ હતી અને લાશના ટુકડે ટુકડા કરી દેવાયા હતા. હવે બોબ વૂડવર્ડે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે, અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે, તેમને વિશ્વાસ નથી થતો કે, મોહમ્મદ બિન સલમાને ખાશોગીની હત્યાના આદેશ આપ્યા હતા. જોકેઅમેરિકા અને અન્ય વિદેશી તપાસ એજન્સીઓએ પહેલા જ દાવો કર્યો હતો કે, સઉદી પ્રિન્સે જ ખાશોગીની હત્યાનો આદેશ આપ્યો હતો. બોબ વૂડવર્ડનું પુસ્તક ‘રેજ’ ૧૫ સપ્ટેમ્બરે બહાર આવશે. આ પુસ્તક માટે વૂડવર્ડે ટ્રમ્પના ૧૮ વખત ઇન્ટરવ્યૂ લીધા હતા. ટ્રમ્પ અનુસાર ખાશોગીની હત્યાથી અમેરિકાના બંને રાજકીય દળોમાં ખાસો આક્રોશ હતો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસને કોરાણે મુકતા આઠ અબજ ડૉલરમાં સઉદી અરબ અને યુએઇને આધુનિક હથિયારો અને મિસાઇલો વેચી હતી.ટ્રમ્પે કોંગ્રેસ તરફથી પસાર કરાયેલા ત્રણ પ્રસ્તાવો પર વીટો કર્યો હતો.