(એજન્સી) પટણા, તા.ર૬
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે રાજ્ય વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે એનઆરસી-એનપીઆરના મુદ્દે કહ્યું કે, તેમને પોતાને પણ ખબર નથી કે તેમની માતાનો જન્મ કયારે થયો. નીતિશકુમારે કહ્યું કે, એનપીઆર મુદ્દે રાજ્ય સરકાર કેન્દ્રને એક પત્ર મોકલી ચૂકી છે તેમ છતાં બિહારમાં એનપીઆર-એનઆરસી મુદ્દે માહોલ બનાવાય છે. તેમણે કહ્યું કે, સીએએ કાનૂનના તમામ દસ્તાવેજો તેમણે જોયા છે. પાડોશી ત્રણ દેશોના અલ્પસંખ્યકોના હિતો અને સુરક્ષા માટે કેન્દ્રનો કાનૂન છે. હવે તે સાચો છે કે, ખોટો તે સુપ્રીમકોર્ટ નક્કી કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, એનપીઆરના મુદ્દે રાજ્ય વિધાનસભામાં સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જે કેન્દ્રને મોકલાયો છે. તેમાં આગ્રહ કરાયો છે કે, બિહારમાં ર૦૧૦ના ફોર્મેટ મુજબ જ એનપીઆર તૈયાર કરાશે. ભ્રમની સ્થિતિ હોવી ન જોઈએ. જ્યારે સીએએનો સવાલ છે ત્યારે આ કાનૂન ર૦૦૩માં કોંગ્રેસ લાવી હતી. ર૦૦૪માં તે નોટિફાઈ થયો હતો. તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે રાજ્યસભામાં તેનું સમર્થન કર્યું હતું તે સમયે લાલુયાદવ અને કપિલ સિબ્બલ પણ હાજર હતા. દરમિયાન બિહાર વિધાનસભામાં ભાજપ અને રાજદના સભ્યો વચ્ચે મારપીટની સ્થિતિ સર્જાતા સદન ૧પ મિનિટ માટે સ્થગિત કરાયું હતું. ભાજપના વિધાયકો પર ગુંડાગર્દીનો તેજસ્વી યાદવે આરોપ મૂકયો હતો.