પાલીતાણા,તા.૧૦
તળાજાના રાજપરા ગામે વાડી વિસ્તારમાં ગત રાત્રે એક દીપડો ઘૂસી આવ્યો હતો. ખુલ્લામાં પરિવાર સૂતો હતો. તેમાં ૪ વર્ષની બાળકીને દીપડાએ જડબામાં જકડી ભાગ્યો હતો. પરંતુ પરિવારજનો જાગી જતા દીપડા પાછળ દોડ્યા હતા અને બૂમો પાડતા દીપડાએ બાળકીને છોડી મુકી હતી. પરંતુ ત્યાં સુધીમાં બાળકીનું મોત નીપજ્યું હતું.નવાજૂના રાજપરા ગામે લક્ષ્મણભાઇ પાલાભાઇ ભીલ કરીને ખેતમજૂર રહે છે, રાત્રે ૧ વાગ્યે પરિવાર વાડીમાં ખુલ્લામાં સૂતો હતો. ત્યારે સવા એક વાગ્યાના સમયે તેમની ૬ વર્ષની દીકરી વિશ્વા રડતી હોય તેવો અવાજ સાંભળતા લક્ષ્મણભાઇ સહિત પરિવારજનો જાગી ગયા હતા. તો તેની દીકરીને દીપડો પકડીને લઇ જતો જોતા પાછળ દોડ્યા હતા. પરંતુ દીપડો ત્યાં સુધીમાં ગાયબ થઇ ગયો હતો. આથી દીકરીને શોધવા પાછળ દોડ્યા ત્યારે પિતાના પગમાં જ મૃત દીકરી ઠેબે ચડી હતી. દીપડાએ વિશ્વાના ગળા અને છાતીના ભાગે નહોર માર્યા હતા. આ અંગે વન વિભાગને જાણ થતા ઘટનાસ્થળે ટીમ દોડી આવી હતી અને દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.