(એજન્સી) અલવર, તા.૩
રાજસ્થાનના ભરતપુર અને અલવર એમ બે જુદા-જુદા સ્થળો પર બે દલિતોની હત્યા નિપજાવવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અહેવાલ મુજબ ભિવાડી ગામમાં હોળી રમી રહેલ દલિત સગીરને કથિત રીતે માર મરાતા તેનું મોત નિપજ્યું હતું. સગીરની નીરવ જાટવ તરીકે ઓળખાણ થઈ હતી. પોલીસ અનુસાર નીરવ અન્ય સમુદાયના લોકો સાથે હોળી રમી રહ્યો હતો. ત્યારે બન્ને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. એએસપી પુષ્પેન્દ્ર સોલંકી મુજબ નીરવ પર થયેલ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ દલિત સગીરનું મોત નિપજ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ નીરવના શરીર પર હથિયારની કોઈપણ ઈજાઓ જોવા મળી ન હતી. નીરવના પરિવારે દાવો કર્યો છે કે, નીરવને લાકડીઓ વડે ફટકારવામાં આવ્યો હતો પરંતુ આ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અન્ય બીજા એક બનાવમાં ભરતપુરના ર૬ વર્ષીય દલિત મજૂર જસવંત જાટવને ૪ લોકોએ તેના ઘરમાંથી ખેંચી કાઢયો હતો અને તેને માર મારીને તેનું મોત નિપજાવ્યું હતું એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. ભરતપુરના કુમ્હર વિસ્તારમાં આ ઘટના બની હતી જ્યાં આરોપીએ જૂની અદાવતમાં જસવંતને મારી નાંખ્યો હતો. એસએચઓ સીતારામ મીનાના જણાવ્યા મુજબ જસવંતનું આંતરિક ઈજાઓને કારણે મોત નિપજ્યું હતું અને પોસ્ટમોર્ટમમાં તેના મૃત્યુ અંગે પુષ્ટિ થઈ છે.