હિંમતનગર, તા.૧૦
ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામે રહેતા એક પરિવારમાં ત્રણ વર્ષ અગાઉ થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ આવેશમાં આવી જઈ પત્નીનું લાકડાના ધોકા મારી મોત નિપજાવ્યું હતું. જે અંગેની ફરિયાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ આ અંગેનો કેસ મંગળવારે ઈડરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે પતિને આજીવન કેદની સજા અને રૂા.પ૦૦નો દંડ ફટકાર્યો છે.
ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામે રહેતા રણછોડભાઈ રાણાભાઈ કોદરવી તથા તેમની પત્ની સુમિત્રાબેન સાથે ઘરકામ બાબતે ઝઘડો થયો હતો. જેમાં રણછોડભાઈ કોદરવીએ ઉશ્કેરાઈ જઈને લાકડાના ધોકા વડે સુમિત્રાબેન પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી તેઓ ભાગી ગયા હતા.
ત્યારબાદ મૃતક સુમિત્રાબેનના ભાઈ બોરડી ગામના પુનાભાઈ વજાભાઈ ખાંટએ પોતાના બનેવી વિરૂદ્ધ તરત જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સમગ ્રઘટનાની તપાસ કરીને રણછોડભાઈ કોદરવીની ધરપકડ કરી લીધી હતી, તો બીજી તરફ તપાસ પૂર્ણ થતાં ખેડબ્રહ્મા પોલીસે આ અંગેનો કેસ ઈડરની કોર્ટમાં મોકલી આપ્યો હતો.
જે કેસની સુનાવણી મંગળવારે ઈડરની કોર્ટના ન્યાયાધીશ કે.એ. પઠાણ સમક્ષ ચાલી જતાં કોર્ટે પતિને આજીવન કેદ તથા રૂા.પ૦૦નો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા કરવાનું ચુકાદામાં નોંધ્યું છે.