હિંમતનગર, તા.૧૭
ખેડબ્રહ્મા ભાજપ શાસિત નગરપાલિકામાં આજે ૧૦ સભ્યોએ કારોબારી સમિતિના સભ્યપદેથી એકી સાથે રાજીનામા આપતાં રાજકીય ભૂકંપ સર્જાતા ખળભળાટ મચી જવા પામેલ છે.
ખેડબ્રહ્મા નગરપાલિકામાં કારોબારી ચેરમેનની કામગીરીથી નારાજગી હોવાથી તથા નગરપાલિકાના કોર્પોરેટરોને વિશ્વાસમાં લીધા સિવાય દરેક નિર્ણયો લેતા હોવાના કારણે તેમની આ કામગીરીથી નારાજ થઈ ભાજપના તમામ સભ્યોએ એકીસાથે પોતાના રાજીનામા પ્રમુખને આપી દેતા હાહાકાર મચી જવા પામેલ છે. ખેડબ્રહ્મા ભાજપ શાસિત નગરપાલિકાના કોર્પોરેટરો જેમાં ઉપપ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, નિકુંજ રાવલ, નવીનભાઈ વસાવા, દશરથભાઈ પ્રજાપતિ, પપલબેન પ્રજાપતિ, નીશાબેન રાવલ, અન્નપૂર્ણાબેન દિક્ષિત, સોનુ ઈશ્વરભાઈ, મધુબેન પટેલ તથા ઈશ્વરભાઈ તરારે પ્રમુખને રાજીનામા સુપ્રત કર્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી હતી.