નડિયાદ, તા.૧૭
ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ત્રીજા ચરણનો ઇ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર રાજયના ખેડૂત મિત્રોને મહામહિમ રાજયપાલશ્રી દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ માર્ગદર્શક ઉદબોધન કર્યું હતું. જેના ભાગરૂપે આજે ખેડા જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા. ખેડૂતમિત્રો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અને ખેડૂતો માટે અસરકારક કૃષિ વ્યવસ્થાપન- કૃષિ ઉત્પાદકતા વધે, કૃષિ ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂત પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ પાક વૃધ્ધિ તરફ વળે તે માટે રાજય સરકાર દ્વારા આત્મનિર્ભળ પેકેજ જાહેર કરાયું છે અને તેના ત્રીજા ચરણના ભાગરૂપે માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજયના કુલ બજેટમાંથી રૂા.૨.૨૦ કરોડની નાણાંકીય જોગવાઇ ખેડા જિલ્લા માટે કરવામાં આવી છે. તેમ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું. આ યોજના હેઠળ આજ સુધી અંદાજે કુલ ૮૩૦૪ ખેડૂતમિત્રોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.આર.સોનારાએ સ્વાગત પ્રવચનમાં માહીતી આપતા જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતમિત્રોને મહાનુભાવોને વરદહસ્તે મંજૂરી પત્રો, મોમેન્ટો તથા સફળ ખેડૂતમિત્રોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ જિલ્લાના અગ્રણીઓ, પદાધિકારીઓ તથા ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.