સુરેન્દ્રનગર, તા.૧૦
સુરેન્દ્રનગર જિલ્લાના સરલા ગામેથી વડોદરા એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જતા બે મિત્રો ની બાઇકને ખેડા ધોળકા રોડ પર આવેલ રસિકપુરા પાટિયા પાસે એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા બે બાઇક સવારના મોત નીપજ્યા હતા.
મૂળી તાલુકાના સરલા ગામે સચિનભાઇ હસમુખભાઇ દેલવાડીયા (ઉ.વ. રર) પરિવાર સાથે રહે છે. સચિનભાઇ સુરેન્દ્રનગર ખાતે આવેલ પટેલ ઇન્ડસ્ટ્રીઝ માં નોકરી કરતા હતા. તેમની સાથે મહારાષ્ટ્રના નંદગાંવ જિલ્લાના હદગાંવના વિકાંત નાગોર હિંગોલી (ઉ.વ.રર) પણ નોકરી કરતો હતો. સચિન તથા વિકાંત એક જ કંપનીમાં નોકરી કરતા હોય બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. દરમિયાન વડોદરા ખાતે એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે સચિન તથા વિક્રાંત શનિવારે સવારે પોતાની બાઇક લઇ સુરેન્દ્રનગરથી વડોદરા જવા નીકળ્યા હતા.
સચિન તથા વિક્રાંત બાઇક પર ખેડા ધોળકા રોડ પર આવેલ રસિકપુરા પાટીયા પાસેથી પસાર થતા હતા તે વખતે પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક ટ્રક ચાલક બેફિકરાઈ અને ગફલતભરી રીતે પૂર ઝડપે ટ્રક હંકારી આગળ જતી સચિનની બાઈકને અડફેટમાં લેતાં બંને મિત્રો રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાયેલી બંને યુવકોને શરીરે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા જ્યાં સચિન દેલવાડિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે વિકાંત હીંગોલેનું રવિવારે બપોરના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતક સચિનના પરિવારજનોને થતા તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે ખેડા શહેર, પોલીસે ટ્રક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા-ધોળકા રોડ પર ટ્રકની અડફેટે સુરેન્દ્રનગરના બે વિદ્યાર્થીઓના મોત

Recent Comments