ટોક્યો,તા.૧૪
જાપાનના વડા પ્રધાન શિંજો આબેના રાજીનામા પછી ખેડૂતના પુત્ર યોશિહિડે સુગા દેશના નવા વડા પ્રધાન બનશે. તેમણે સોમવારે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી છે. વોટિંગમાં પાર્ટીના કુલ ૫૩૪ સાંસદ સામેલ થયા હતા. એમાં સુગાએ ૩૭૭ એટલે કે લગભગ ૭૦ ટકા વોટ પ્રાપ્ત કર્યા છે. હવે તેમનો વડા પ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સુગા ૮ વર્ષ સુધી દેશના ચીફ કેબિનેટ સેક્રેટરી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેમને શિંજો આબેની નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. વડા પ્રધાનપદના ત્રણ ઉમેદવાર માટે ડાઈટ મેમ્બર્સ અને દેશનાં તમામ ૪૭ રાજ્યના ત્રણ સાંસદે વોટિંગ કર્યું હતું. એનું કારણ એ રહ્યું કે તેમાં ૭૮૮ સાંસદને બદલે માત્ર ૫૩૪ સભ્ય સામેલ થયા. ઈમર્જન્સીની સ્થિતિને જોતાં આ રીત અપનાવામાં આવી છે. એલડીપીના સેક્રેટરી જનરલ અને તોશિહિરો નિકાઈએ વોટિંગ કરાવ્યું. સુગા તેમના પરિવારમાંથી રાજકારણમાં આવનાર પ્રથમ શખસ છે. તેમના પિતા અકિતા રાજ્યના ગામ યુજાવામાં સ્ટ્રોબેરીની ખેતી કરતા હતા. હાઈ સ્કૂલનું એજ્યુકેશન પૂરું કર્યા પછી સુગા ટોક્યો આવી ગયા હતા, જ્યાં તેમણે કાર્ડબોર્ડ ફેક્ટરીથી લઈને ફિશ માર્કેટમાં પાર્ટ ટાઈમ કામ કર્યું. આ કામ કરીને તેઓ તેમની યુનિવર્સિટીની ફીસ ચૂકવ્યા કરતા હતા. તેમનું પોલિટિકલ કેરિયર ૧૯૮૭માં શરૂ થયું હતું. એ સમયે તેમણે યોકોહામા એસેમ્બ્લી સીટ માટે એક ડઝન ચંપલ એક વખત પહેરીને પ્રચાર કર્યો હતો. આ ચૂંટણીમાં તેમને જીત મળી અને રાજકારણમાં આવી ગયા.