(એજન્સી) નવી દિલ્હી, તા.૯
કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂતો લગભગ ૪૫ દિવસોથી દિલ્હીના બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો ત્રણેય કાયદાઓ પરત ખેંચવાની માંગણી પર અડગ છે. દરમિયાન દિલ્હીના બોર્ડર પર ખેડૂતોના ધરણા પ્રદર્શનો સામે અરજદાર ઋષભ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી નવું સોગંદનામું દાખલ કર્યું છે. અરજીમાં કહ્યું છે કે ખેડૂતોને બોર્ડરથી હટાવવામાં આવે. રસ્તો જામ કરી પ્રદર્શન કરવા શાહીન બાગ મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાની વિરૂદ્ધ છે. અરજદારે અરજીમાં જણાવ્યું છે કે પ્રદર્શન અને રસ્તો જામ કરવાથી દરરોજ ૩૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. કાચા માલની કિંમતોમાં ૩૦ ટકા ભાવો વધી ગયા છે. એમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પોતાના છેલ્લા આદેશમાં કહ્યું હતું કે પ્રદર્શનો શાંતિપૂર્ણ હોવા જોઈએ પણ પ્રદર્શનકારીઓએ મોબાઈલ ટાવરોને નુકસાન પહોંચાડ્યું છે જે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. અરજી પર સોમવારે સુનાવણી થશે. નોંધનીય છે કે કૃષિ કાયદાઓને લઇ સરકાર અને ખેડૂતો વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે. બંને વચ્ચે આઠ વખત વાતચીત થઇ છે તેમ છતાંય કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ખેડૂત સંગઠનો કાયદાઓ પરત લેવાની માંગ પર અડગ છે. ગઈકાલે થયેલ મીટિંગમાં ખેડૂતોના ૪૦ સંગઠનો જોડાયા હતા. એમણે ધમકી આપી હતી કે જો અમારી માંગણીઓ નહિ માનવામાં આવે તો અમે ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજીશું. ખેડૂતો સાથે અગામી મીટિંગ ૧૫મી જાન્યુઆરીએ થશે.