રાજ્યના DGP આશિષ ભાટિયાનો નિર્ણય

બંધના પગલે પોલીસને સ્ટેન્ડ બાય રખાઈ, બળજબરીપૂર્વક બંધ કરાવનારા સામે પગલાં ભરાશે

રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ યથાવત્‌ : DGP

અમદાવાદ, તા.૭
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પગલે ખેડૂત સંગઠનોએ મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું છે. તેને લઈને ગુજરાત સરકારે બંધના એલાનને નકારીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. રાજ્યના ડીજીપીએ બંધના એલાનને લઈને મંગળવારે સમગ્ર ગુજરાતમાં ૧૪૪ની કલમ લાગુ કરી દીધી છે. ઉપરાંત જબરજસ્તી બંધ કરાવનારા સામે કાર્યવાહી કરાશે. તદ્‌ઉપરાંત કોરોનાથી વકરતી જતી સ્થિતિને પગલે ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાગુ કરાયો હતો. તેની મુદ્દત નવો નિર્ણય ન થાય ત્યાં સુધી લંબાવી દેવાઈ છે. એટલે ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ યથાવત્‌ રહેશે. ત્યારે હવે ભારત બંધને લઈને ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ડીજીપીએ કહ્યું કે, આવતીકાલે ગુજરાતભરમાં ૧૪૪ લાગુ રહેશે. ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, ભારત બંધ દરમિયાન ગુજરાત બંધ નહીં રહે. ત્યારે હવે આ મામલે ગુજરાતના DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, કાલે ગુજરાત પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જિલ્લા SP અને કમિશનર સુચના આપવામા આવી છે. સિનિયર અધિકારી પેટ્રોલિંગ કરશે. વધારાના બંદોબસ્ત ગોઠવણ કરવામાં આવી છે. પોલીસને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે. દરેક વિસ્તારમાં તકેદારી રાખવામા આવી રહી છે. સંવેદનશીલ વિસ્તાર પર ચાપતી નજર રહેશે. ખુલ્લી APMCમાં પણ બંદોબસ્ત આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, હાઇવે બ્લોક કરનારા, ૧૪૪ ભંગ કરનારા, રાસ્તા પર અવરોધ ઉભા કરનારા, બળજબરી પૂર્વક દુકાન બંધ કરાવનારા, સોશિયલ મીડિયા પર ગેરરીતિ કરનારા અને હિંસક વીડિયો અપલોડ કરનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ૪થી વધારે લોકોએ ભેગા ન થવું. સામાજિક અંદરનું પાલન કરવું ફરજિયાત છે. તમામ જનાતને ભેગા ન થવાનું સૂચન કરવામાં આવ્યું છે. DGPએ જણાવ્યું કે, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલીંગ કરવામાં આવશે. PCR વાન સ્થળ પર જઇ કાર્યવાહી કરશે. IPC, બોમ્બે પોલીસ એક્ટ, એપીડેમિક એક્ટ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવશે. અસામાજિક તત્વોની રાતથી જ ધરપકડ કરવામાં આવશે. વધુમાં ડીજીપીએ જણાવ્યું હતું કે, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નવી સૂચના ન થાય ત્યાં સુધી રાત્રિ કરફ્યુ યથાવત્‌ રહેશે.