(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
હનુમાન બેનિવાલના નેતૃત્વમાં બનેલી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)એ શનિવારે જણાવ્યું હતું કે, તેઓ ભાજપ નેતૃત્વના એનડીએ સાથે છેડો ફાડી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા અંગે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પાર્ટીએ આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. અહેવાલ મુજબ બેનિવાલ ધરતીપુત્રોને ટેકો આપવા આંદોલનને સ્થળે પણ પહોેંચી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. રાજસ્થાનના નાગોરથી લોકસભા સાંસદ બેનિવાલે જણાવ્યું હતું કે, અમે એવા કોઈપણ લોકો સાથે ઊભા નહીં રહીએ જે ખેડૂતોની વિરૂદ્ધ હોય. રાજસ્થાનના અલ્વર જિલ્લાના શાંહજહાંનપુર-ખેડા બોર્ડર પર દેખાવકારોને સંબોધિત કરતાં તેમણે આ વાત જણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, બોગસ કોરોના રિપોર્ટના આધારે મને લોકસભામાં પ્રવેશતો અટકાવવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો હું ત્યાં હોત તો હું ગૃહમાં આ કાયદાની નકલો ફેંદી દેત. ૪૮ વર્ષીય નેતાએ આ અગાઉ જણાવ્યું હતું કે, જો આ કાળા કાયદા પરત ખેંચવામાં નહીં આવે તો તેમની પાર્ટી એનડીએ સાથે જોડાણ અંગે વિચાર કરશે. રાજસ્થાનમાં ૨૦૧૮માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલા બેનિવાલે ભાજપનો સાથ છોડી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)ની સ્થાપના કરી હતી. આ પાર્ટીએ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સાથે જોડાણ કર્યુ હતું. કૃષિ કાયદા અંગે વધુ એક સાથી પક્ષ આરએલપીએ એનડીએ સાથે છેડો ફાડ્યો હતો. ગત વર્ષે શિવસેનાએ એનડીઓનો સાથ છોડયો હતો. ત્યારબાદ ખેડૂત આંદોલનના સમર્થનમાં શિરોમણી અકાલી દળે પણ એનડીએ સાથેની મિત્રતા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. હવે આ યાદીમાં આરપીએલનો સમાવેશ થયો છે. છેલ્લા એક માસથી હજારો ખેડૂતો દિલ્હી બોર્ડના સિંધુ અને આસપાસના વિસ્તારોમાં પોતાની માગો અંગે દેખાવો કરી રહ્યાં છે. તેઓ તાજેતરમાં મોદી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાને પરત ખેંચવાની અને ટેકાના ભાવની ગેરન્ટી અંગે માગ કરી રહ્યાં છે. સરકારે સુઘારા સાથે આ ત્રણ કાયદા સંસદમાં પસાર કર્યા હતા. સરકારે દાવો કરી રહી છે કે, આ સુધારેલા કાયદાથી ખેડૂતોને લાભ થશે. જો કે ખેડૂતો સરકારનો આ દાવો નકારી રહ્યાં છે, તેમનું કહેવું છે કે, આ કાયદા દ્વારા તેઓને મોટા કોર્પોરેટર હાઉસો પર નિર્ભર રહેવું પડશે. આ કાયદા દ્વારા મંડી પ્રથા અને લઘુત્તમ ટેકાના ભાવને અસર થશે.