(એજન્સી) ચંદીગઢ, તા. ૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારમાં ઐતિહાસિક કોસી રેલ મહાસેતુની સાથે યાત્રી સુવિધાઓથી સંબંધિત રેલવેની ૧૨ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ જે ૧૨ રેલવે પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું તેમાં કિઉલી નદી પર એક રેલ સતુ, બે નવી રેલવે લાઇન, પાંચ વિદ્યુતીકરણથી સંબંધિત, એક ઇલેક્ટ્રિક લોકોમોટિવ શૅડનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાને કૃષિ બિલ પર પોતાના વિચારો રજૂ કર્યા. કૃષિ બિલ પર બોલતાં વડાપ્રધાને કહ્યું કે વિશ્વકર્મા દિવસના પ્રસંગે ત્રણ બિલ લોકસભામાં પાસ થયા. આ સુધારાઓથી ખેડૂતોને પોતાની ઉપજ વેચવાના વધુ વિકલ્પ મળશે અને વધુ અવસર મળશે સાથે જ ખેડૂતોની કમાણીની કટકી કરતા વચેટિયાઓને હટાવી દેવાયા છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, હું દેશભરના ખેડૂતોને આ બિલને પાસ થવાને લઈ અનેક અભિનંદન પાઠવું છું. આ બિલ ખેડૂતો અને ગ્રાહકોને વચેટીયાઓથી બચાવવા માટે લાવવામાં આવ્યા છે. વડાપ્રધાનએ કહ્યું કે, કેટલાક લોકો જે દશકો સુધી સત્તામાં રહ્યા છે, દેશ પર રાજ કર્યું છે, તે લોકો ખેડૂતોને આ વિષય પર ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે આ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે સરકાર દ્વારા ખેડૂતોને એમએસપીનો લાભ નહીં આપવામાં આવે. એવું પણ ઉપજાવી કાઢ્યું છે કે ખેડૂતોથી અનાજ વગેરેની ખરીદી સરકાર દ્વારા નહીં કરવામાં આવે. આ બિલકુલ ખોટું છે, ખેડૂતો સાથે છેતરપિંડી છે. અમારી સરકાર ખેડૂતોને એમએસપીના માધ્યમથી યોગ્ય મૂલ્ય અપવવા માટે પ્રતિબદ્ધ છે. સરકારી ખરીદી પણ પહેલાની જેમ ચાલુ રહેશે. વડાપ્રધાને કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ પોતાના ઉત્પાદ, દુનિયામાં ક્યાંય પણ વેચી શકે છે, જ્યાં ઈચ્છે ત્યાં વેચી શકે છે, પરંતુ માત્ર મારા ખેડૂત ભાઈ-બહેનોને આ અધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા. હવે નવી જોગવાઈ લાગુ થવાના કારણે ખેડૂત પોતાનો પાક દેશના કોઈ પણ બજારમાં, પોતાના મરજીના ભાવે વેચી શકે છે. હું આજે દેશના ખેડૂતોને આ સ્પષ્ટ સંદેશ આપવા માંગું છું. વડાપ્રધાને ખેડૂતોને ઉદ્દેશીને કહ્યું કે તમે કોઈ ભ્રમમાં ન પડો. આ લોકોથી દેશના ખેડૂતોએ સર્તક રહેવાનું છે. એવા લોકોથી સાવધાન રહે જેઓ દશકો સુધી દેશ પર રાજ કરતા રહ્યા અને જે આજે ખેડૂતોને ખોટું બોલી રહ્યા છે.