(એજન્સી) તા.૨૭
ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે આંદોલન કરી રહેલા ખેડૂતોમાંથી કેટલાક ખેડૂતો મંગળવારે લાલ કિલ્લા પર પહોંચી ગયાં હતાં. દિલ્હીની વિવિધ સરહદે પ્રજાસત્તાક દિને સવારથી જ ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણો થઇ હતી. આંદોેલનકારી ખેડૂતોને ૭૨માં પ્રજાસત્તાક દિને કિસાન ગણતંત્ર પરેડ યોજવા માટે ચોક્કસ રુટ ફાળવવામાં આવ્યાં હતાં. જો કે એવું માનવું છે કે કેટલાક ખેડૂતોએ દિલ્હી પોલીસ દ્વારા પ્રતિબંધીત રાષ્ટ્રીય પાટનગરના રુટ પર અંદર જવાનો નિર્ણય કર્યો હતો. મોટા ભાગે યુવાન ખેડૂતો બેરીકેડ તોડીને દિલ્હી-ગાઝીપુર સરહદેથી રાષ્ટ્રીય પાટનગરમાં પ્રવેશ્યાં હતાં અને પૂર્વ દિલ્હીના અક્ષરધામ જંકશન નજીક પોલીસ સાથે અથડામણો થઇ હતી. જો કે કરનાલ બાયપાસ, મકરબા ચોક, ટ્રાન્સપોર્ટનગર, અક્ષરધામ, ગાઝીપુર, ટીકરી સરહદ ખાતે અનેક મોરચા પર આંદોલન કરી રહેલા ખેડૂતો દિલ્હીમાં પ્રવેશીને લાલ કિલ્લા પર પહોચી ગયાં હતાં. તેમનું આગામી પગલું શું હશે એવી કોઇ સ્પષ્ટ માહિતી વગર લાલકિલ્લામાં પ્રવેશવાનું શરુ કર્યુ હતું અને તેઓ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા નજરે પડ્યાં હતાં. દરમિયાન પોલીસે કેટલાક સ્થળોએ ખેડૂતો પર અશ્રુવાયુના સેલ છોડ્યાં હતાં. દિલ્હીના નાંગલોઇમાંથી પણ હિંસાના અહેવાલો મળ્યાં હતાં. કેટલાક ખેડૂતો તલવારો વિંઝતા પોલીસ સાથે અથડામણ કરતાં જોવા મળ્યાં હતાં. તેમણે ટ્રકો અને બીટીસી બસોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. કરનાલ બાયપાસ પર અશ્વ સવારી કરી રહેલા કેટલાક શખ્સોના વિઝ્‌યુલ જોવા મળ્યાં હતાં અને સિંઘુર અને મુકરબા ચોકમાં પણ તેમણે કેટલાક બેરીકેડ તોડી નાખ્યાં હતાં.