(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
ખેડૂતોના પ્રશ્ને દેશભરમાં વિવિધ રાજ્યોમાં ખેડૂતો આંદોલન પર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. જેની અસર સુરતમાં વર્તાવાની શરુ થઇ ગઇ છે. આંદોલનની શરુઆતમાં જ શાકમાર્કેટોમાં મધ્યપ્રદેશમાંથી આવતી કોથમીરની આવક લગભગ પચાસ ટકા ઘટી જતી હોલસેલ માર્કેટમાં કોથમીરના ભાવમાં ૧૦૦ ટકાનો ભાવ વધારો જોવા મળ્ય છે. ૩૦૦ રૂપિયે ર૦ કિલો મળતા કોથમીરનો ભાવ ગઇકાલે મધરાતથી જ ૬૦૦ થી ૭૦૦ રૂપિયાએ પહોંચી ગયો હતો. અન્ય રાજ્યોમાંથી પણ શાકભાજીનો પુરવઠો ખોરવાતા આગામી દિવસમાં અન્ય શાકભાજીઓમાં પણ ભાવ વધારો જોવા મળશે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. આ અંગે સુરતના શાકમાર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં ખેડૂત આંદોલનની પ્રથમ અસર મધ્યપ્રદેશમાંથી આવતી કોથમીર પર પડી છે. આંદોલનની અસર મધ્યપ્રદેશમાં સૌથી વધુ હોવાથી ત્યાંથી ગઇકાલે કોથમીર લઇને આવતી અડધો અડધ ટ્રકો સુરત આવી શકી ન હોતી, અને આગામી દશ દિવસ સુધી ચાલનારા આ આંદોલનને પગલે આવકો યથાવત રહેવાની શક્યતા પણ નહીવત હોવાનું જણાઇ આવતા કોથમીરના ભાવમાં રાતોરાત બમણો ભાવ વધારો થઇ ગયો હતો. એટલે કે હોલસેલ માર્કેટમાં ૧પ રૂપિયે કિલોએ મળતા કોથમીરનો ભાવ ૩૦ થી ૩પ રૂપિયાએ આંબી ગયો હતો. ગુજરાતમાં કોથમીર શિયાળામાં જ થતી હોવાથી ઉનાળામાં મોટાભાગે અન્ય રાજ્યો પર આધાર રાખવો પડે છે. સુરતમાં હાલમા પંજાબ અને રાજસ્થાનથી મરચાની આવકો ચાલુ છે. ઉપરાંત ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રમાંથી ટામેટા તેમજ હિમાચલ પ્રદેશમાંથી મરચા, ફુલાવર, વટાણા સહિતના શાકભાજીની આવકો ચાલુ છે.આ રાજ્યોમાં પમ ખેડૂત આંદોલનની અસર હોવાથી આગામી એકાજ બે દિવસમાં ત્યાંથી આવતી શાકભાજીની આવક પર પણ અસર થવાની શક્યતા ચ્ચે આ શાકભાજીઓમાં પણ ભાવ વધારો થવાની ભીતિ વેપારીઓ સેવા રહ્યાં છે. અસહ્ય ગરમીને લઇને હાલમાં સ્થાનિક બજારોમાંથી શતી શાકભાજીની આવક મોટા ભાગે ઓછી થઇ ગઇ છે. વેપાીઓના મતે જુન અને જુલાઇ માસ દરમિયાન અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવકો પર જ મોટાભાગે મદાર રાખવો પડતો હોય છે. તેવામાં આ ખેડૂત આંદોલનને પગલે શાકભાજીની આવકો બંધ થઇ જવા અથવા ઘટી જવાની સ્થિતિમાં ગ્રાહકોએ ભાવ વધારા માટે તૈયારી રાખવી પડશે.