અમદાવાદ,તા. ૨૬
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયા ત્યારે પ્રથમ દિવસે પ્રશ્નોતરીકાળ દરમ્યાન જ વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિમંત્રીને ૨૦૧૯ના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતીના પાકોમાં થયેલા નુકસાન અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. વધુમાં, કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, રૂ.૨૫ હજાર કરોડની નુકસાની સામે રૂ.૧૨૨૯ કરોડની જ સહાય ચૂકવી હોવાનો ખુલાસો થયો છે, જે અન્યાયી અને ખેડૂતોને છેતરતી વાત છે. વિપક્ષ કોંગ્રેસ તરફથી આક્ષેપ કરાયો હતો કે, સમગ્ર રાજ્યમાં મુખ્ય પાકો ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તેમજ તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન અન્ય તેલિબિયાં, કપાસ, તમાકુ, ગવાર, શાકભાજી અને ઘાસચારો વગેરેનું ૮૫ લાખ ૮૭ હજાર ૮૨૬ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ તમામ પાકોનું વાવેતર કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયું હતું. આ પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોને વાવેતર પાછળ થયેલો ખેડ, ખાતર, બિયારણ, દવા, લાઈટ, પાણી અને મજૂરી મળીને અંદાજીત રૂ.૨૫ હજાર કરોડથી વધુ નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, વીઘા દીઠ રૂ.૫ હજારનો ખર્ચ ગણીએ એટલે પ્રતિ હેક્ટર ૩૦ હજારનો ખર્ચ થાય. આમ હેક્ટર દીઠ રૂ.૩૦ હજારનો ખર્ચ ગણતા ૮૫ લાખ ૮૭ હજાર ૮૨૬ હેક્ટરમાં રૂ. ૨૫ હજાર કરોડ કરતા વધુનુ નુકસાન થયું છે. જેની સામે રાજ્ય સરકારે ૬૭ લાખ ૨૫ હજાર હેક્ટર જમીનમાં થયેલા નુકસાનની જ સહાય ચૂકવી છે અને રૂ.૨૫ હજાર કરોડની નુકસાની સામે માત્ર ૧૨૨૯ કરોડ સહાય પેટે ચૂકવ્યા છે. આમ, કુલ ૩૩ જિલ્લામાંથી સૌથી વધુ બનાસકાંઠામાં ૧૦૯ કરોડ, ત્યાર બાદ અમરેલી જિલ્લામાં ૧૦૨ કરોડ અને વડોદરા જિલ્લામાં ૭૬ કરોડ રૂપિયા સહાય ચૂકવી છે. કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નમાં રાજ્યમાં ખેડૂતોએ વર્ષ ૨૦૧૯માં કરેલા વાવેતર વિસ્તારના અંદાજો માટે સેટેલાઈટ ઈમેજ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સર્વે કરી આંકડા મેળવવા માટે એમનેક્ષ ટેકનોલોજી પ્રા.લિ.ને રૂ.૧૦ કરોડ ૬૫ લાખ જેટલી માતબર રકમ ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો. રાજ્યના જિલ્લામાં સૌથી વધુ જામનગર જિલ્લાના સર્વે માટે રૂ. ૨ કરોડ ૬૧ લાખ ૧૬ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. વિપક્ષ કોંગ્રેસે સહાય ચૂકવણી માટે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી ગૃહ ગજવ્યું હતું.