(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૮
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજરોજ દિલ્હી ખાતે વાણિજ્ય વિકાસ અને પ્રમોશન કાઉન્સિલની મળેલ ત્રીજી બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો સતત ૨૦ ટકા ફાળો રહ્યો છે અને રાષ્ટ્રીય નિકાસના યોગદાનના સંદર્ભમાં ગુજરાત એક અગ્રગણ્ય રાજ્ય છે. કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકને સંબોધતા નીતિન પટેલે ઉમેર્યું હતું કે, સને ૨૦૧૬-૧૭માં ગુજરાતની નિકાસ રૂા.૩.૫ લાખ કરોડ અને નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ (એપ્રિલથી નવેમ્બર)ના પ્રથમ આઠ મહિનામાં ગુજરાતમાંથી કુલ નિકાસ રૂા.૨ લાખ કરોડ છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ, ઈનોર્ગેનિક અને ઓર્ગેનિક કેમિકલ્સ, ડાયમન્ડસ, ફાર્માસ્યુટિકલ્સ, કેસ્ટર ઑઈલ, મગફળી અને કપાસની નિકાસમાં ગુજરાત ટોચના રાજ્યોમાં છે. આ ઉપરાંત એન્જીનિયરિંગ અને કેપિટલ ગુડ્‌સ, પ્લાસ્ટિક, કોટન ફેબ્રીક્સ, ખાતર, કૃષિ પેદાશો, મરીન પ્રોડક્ટસ અને ડેરી ઉત્પાદનોમાં પણ ગુજરાત રાજ્ય અગ્રગણ્ય નિકાસકાર છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નિકાસ કમિશનરની નિમણૂક કરી છે તેમ જ કૃષિ વિભાગ દ્વારા ‘નિકાસ પ્રમોશન સેલ’ શરૂ કરવાની યોજના છે. જે નિકાસકારોને માર્ગદર્શન અને મદદ આપવા માટે, રાજ્યના તમામ જિલ્લાઓમાં મદદ કરશે. ડે.સીએમએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લેબર ઈન્સેન્ટીવ ઈન્ડસ્ટ્રીઝ જેવી કે, ટેક્ષટાઈલ, ફૂડ પ્રોસેસિંગ અને એન્જિનિયરિંગ ગુડ્‌સ કે જે નોંધપાત્ર રીતે વધુ રોજગારી આપે છે. તેના માટે “મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ્‌સ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ” હેઠળની સહાયમાં ભારત સરકારે ૧થી ૨ ટકાનો વધારો કરવો જોઈએ. આ સાથે તેમણે વેરાવળ ખાતે મરીન પ્રોડકટ્‌સ ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવાની માગણી પણ કરી હતી. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે જે મીનીમમ સપોર્ટ પ્રાઈઝ નક્કી કરે છે અને જે ખર્ચ કરે છે તેની સાથે ખેડૂતો તેમની પ્રોડક્ટ્‌સનું જે નિકાસ કરે છે તેમને પ્રોત્સાહન આપવા માટે સબસીડી આપવી જોઈએ તેવું સૂચન પણ તેમણે કર્યું હતું.