કચ્છ હવે સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા ક્ષેત્રમાં વિશ્વકક્ષાએ ચોથા ક્રમે પહોંચી
રહ્યું છેઃ કચ્છમાં અલ્ટ્રા મેગા હાઈબ્રીડ પાર્ક-દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા અને કચ્છ ડેરીના પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન-શિલાન્યાસ : ધોરડોમાં ૧૦ કરોડ લીટરની ક્ષમતા ધરાવતા વોટર ડિસિલેનેશન પ્લાન્ટનું લોકાર્પણ

(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.૧પ
‘કી આયો કચ્છી માડુ’ (કેમ છો કચ્છના માણસો ?)…જેવા સંવાદ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ કચ્છના સફેદ રણ ધોરડો ખાતેથી પોતાના વકતવ્યની શરૂઆત કરી હતી. કચ્છમાં રણ વિસ્તારમાં સૌરઉર્જા અને માંડવી ખાતે ખારા પાણીને મીઠું પાણી બનાવવાના પ્રોજેકટ ઉપરાંત અંજાર નજીક સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસ પ્લાન્ટના એક જ સ્થળેથી ઓનલાઈન ભૂમિપૂજન કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં સંબોધનને આગળ વધારતા કહ્યું કે ‘કચ્છ જે માડુ કે સી આને કોરોના સે બચે જો આયા’ (કચ્છના માણસોએ ઠંડી અને કોરોનાથી બચવાનું છે સુરક્ષિત રહેવાનું છે.) તેમણે કચ્છના લોકોને કચ્છીભાષામાં સંબોધતા કચ્છના લોકોને પ્રેમાળ હૃદયના ગણાવ્યા હતા. દરમ્યાન વડાપ્રધાન મોદીએ કચ્છમાં આ ત્રણેય પ્રોજેકટના ભૂમિપૂજન પ્રસંગે કચ્છ હવે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ ૪થા ક્રમે પહોંચી રહ્યું છે તેમ જણાવ્યું હતું અને કચ્છમાં દૂધ ઉત્પાદનની જે ક્રાંતિ આવી છે તેનાથી કચ્છના પશુપાલકોની આવક વધી છે. ઉત્સાહ વધ્યો છે અને ખેડૂતો-પશુપાલકોના ક્ષેત્રમાં અમારી સરકાર કોઈ વધારે હસ્તક્ષેપ કરવા માગતી નથી તેમ જણાવી તેમણે પંજાબ, દિલ્હીમાં ચાલતા કિસાન આંદોલન તરફ ઈશારો કરી જણાવ્યું કે વિપક્ષના લોકો ત્યાંના ખેડૂતોને ભરમાવી રહ્યા છે. અમારી સરકારના પ્રથમ ક્રમમાં ખેડૂતોનું હિત રહેલું છે.
આજે સરદાર પટેલની પુણ્યતિથિ છે અને આ અવસરે કચ્છમાં દુનિયાનો સૌથી મોટા રિન્યૂઅબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કર્યું તેને જોતા લાગે છે કે, સરદાર સાહેબનું સપનું ખૂબ જ ઝડપી સાકાર થશે.
કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને યાદ કરતા તેમણે કહ્યું કે, કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો લોકોના ઘરો તૂટી ગયા પરંતુ કચ્છી લોકોના મનોબળને ભૂકંપ તોડી શક્યો નહી. ભૂકંપે કચ્છને સંપૂર્ણ રીતે તબાહ કરી નાંખ્યું હતું. તેમ છતાં હવે કચ્છની પ્રવાસન ક્ષેત્રે આખી દુનિયામાં આગવી ઓળખ ઉભી થઇ ગઇ છે. વિદેશી પ્રવાસીઓ કચ્છનું સફેદ રણ જોવા આવે છે. કચ્છનું રણ અને રણોત્સવ જોવા માટે લાખો પ્રવાસીઓ આવે છે. સાથે જ કચ્છના લોકોએ આખા દેશના લોકોને આત્મનિર્ભર રહેવાનું શીખવ્યું છે. તેમણે કહ્યું કે, એક સમયે કચ્છ એકલો-અટૂલો પ્રદેશ હતો અને હવે તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કચ્છનો વિકાસ સ્કોલરો માટે અભ્યાસનો વિષય છે.
આ પ્રસંગે તેમણે ૧૧૮ વર્ષ જૂનો એક કિસ્સો યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, તે સમયે કચ્છમાં એક્ઝિબિશનમાં સૂર્ય તાપયંત્ર મૂક્વામાં આવ્યું હતું. પરંતુ અત્યારે હાઇબ્રિડ એનર્જી પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ એનર્જી પાર્કથી ૧ લાખ લોકોને રોજગારી મળશે અને ૧.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. તેમણે જણાવ્યું કે, હાઈબ્રીડ પ્રોજેક્ટથી સરહદની સુરક્ષામાં વધારો થશે કેમ કે ૧ એનર્જી પાર્ક ૯ કરોડ વૃક્ષો ઉગાડવા બરાબર છે.
વડાપ્રધાન મોદીએ કચ્છમાં ખેડૂતોના એક ગ્રુપ સાથે મુલાકાત કરી હતી. ઁસ્ મોદીએ છેલ્લા ૨૦ દિવસથી નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ બિલ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની પણ વાત કહી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ખેડૂતોને ભ્રમિત કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “હું પોતાના ખેડૂત ભાઇઓને કહી રહ્યો છું કે તેમની તમામ વાત સાંભળવા માટે સરકાર ૨૪ કલાક તૈયાર છે, ખેડૂતોનું હિત પહેલા દિવસથી અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતામાંથી એક રહ્યું છે. ખેડૂતોનો ખર્ચ ઓછો થાય, નવા નવા વિકલ્પ મળે, તેમની આવક વધે, ખેડૂતોની મુશ્કેલી ઓછી થાય, તેની માટે અમે નિરંતર કામ કર્યુ, અમારી સરકારની નિયત અમારી સરકારનો પ્રયાસ હતો જેને આખા દેશના દરેક ખૂણાના ખેડૂતોએ આશીર્વાદ આપ્યા. ખેડૂતોના આશીર્વાદની આ તાકાત જે ભ્રમ ફેલાવનારા લોકો છે, જે ખેડૂતોના ખભા પર બંદૂકો ફોડી રહ્યા છે, દેશના તમામ જાગૃત ખેડૂત તેમણે પરાસ્ત કરીને જ રહેશે.
આજના કાર્યક્રમ શરૂઆતમાં ધોરડોના સરપંચ મિયાંહુસૈન ગુલબેગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શરૂઆતમાં પ્રાસંગિક ઉદબોધન કરી કચ્છની સરહદે સૂર્યઉર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેકટ માંડવી નજીક દરિયાના ખારા પાણીને મીઠું કરવા અને અંજાર નજીકના દુધ પ્લાન્ટની વિગતો આપી કચ્છ હવે વિશ્વના નકશામાં હોવાનું જણાવ્યું હતું. ઉર્જામંત્રી સૌરભ પટેલે પણ વકતવ્ય આપ્યું હતું. નાયબ મુ.મંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, ગુજરાત સરકારના મંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા વગેરે મંચસ્થ હતા.