(એજન્સી) તા.૨૮
સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શનિવારે કહ્યું કે બળજબરીપૂર્વક ધર્માંતરણ કાયદો જ્યારે વિધાનસભામાં આવશે તો અમે તેનો ધારદાર રીતે વિરોધ કરીશું. રાજ્યપાલ આનંદીબેન પટેલની મંજૂરી બાદ કથિત લવ જેહાદને રોકવા માટે ઉત્તરપ્રદેશ અનલૉફૂલ પ્રોહિબિશન કન્વર્ઝન ઓફ રિલિજિયસ ઓર્ડિનન્સ ૨૦૨૦ના વટહુકમને શનિવારે મંજૂરી આપી દેવામાં આવી હતી. તેનાથી સંબંધિત નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવી હતી. અખિલેશ યાદવ શનિવારે સપના હેડક્વાર્ટરમાં પૂર્વ સાંસદ ચૌધરી બિજેન્દ્ર સિંહ, પૂર્વ દરજ્જો પ્રાપ્ત મંત્રી લિયાકત અલી, પૂર્વ ધારાસભ્ય જમીરઉલ્લા અને કોંગ્રેસ તાથ બસપા સહિત અનેક પક્ષોને છોડી પાર્ટીમાં સામેલ થનારા નેતાઓનું સ્વાગત કર્યા બાદ પત્રકારોને સંબોધી રહ્યા હતા. કથિત લવ જેહાદ અંગે સરકાર તરફથી બનાવવામાં આવી રહેલા કાયદા અંગે અખિલેશ યાદવે કહ્યું કે સપા આવા કાયદાના પક્ષમાં નથી. અમારી સરકાર તેનો જોરશોરથી વિરોધ કરશે અને સરકારને પૂછશે કે ખેડૂતોની આવક વધારતા કાયદા કે વટહુકમ ક્યારે પસાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે આવા વટહુકમ પસાર કરવાની જગ્યાએ યુપીની યોગી સરકારે ખેડૂતોની આવક વધારતાં તથા યુવા બેરોજગારોને રોજગારી આપતા વટહુકમ પસાર કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ભગવાધારી પાર્ટી ભાજપ દ્વારા છેલ્લાં ઘણાં સમયથી મુસ્લિમોને નિશાન બનાવવાના ઉદ્દેશ્ય સાથે લવ જેહાદ નામનું કાવતરું શરૂ કરાયું છે.