ગાંધીનગર, તા.ર૬
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા રાજ્યના બજેટ ર૦ર૦-ર૧માં સરકારે ખેડૂતો, શિક્ષણ, મધ્યમ વર્ગ, પશુપાલકો, નાના વેપારીઓ મહિલાઓના મુદ્દે વિવિધ નવી યોજનાઓ જાહેર કરી છે. તેમજ દિલ્હીની કેજરીવાલ સરકારની સ્ટાઈલમાં ગુજરાત સરકારે સ્કૂલ ઓફ એકસલન્સ યોજના જાહેર કરી છે. તો ગામ વિકાસ માટે દ્ગઇૈં જેટલું જ દાન સરકાર ફાળવે તેવી માદરે વતન યોજના જાહેર કરી છે. તેમજ મહિલા ઉત્કર્ષ જૂથ માટે રૂા.૧ લાખ સુધીના ધિરાણનું વ્યાજ સરકારના ભરે તેવી મહિલા ઉત્કર્ષ યોજના જાહેર કરાઈ છે.
આમ બજેટમાં વિવિધ નવી યોજનાઓની જાહેરાત કરાઈછે.
-ખેડૂતો દિનકર યોજનામાં ખેડૂતોને દિવસે વીજળી મળશે
ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂરી કરવા દિવસ દરમ્યાન વીજ પુરવઠો પૂરો પાડવા માટે નવી દિનકર યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદૃઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા ૩પ૦૦ કરોડનું આયોજન છે. આ માટે પ૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે.
-કિસાન પરિવહન યોજના
આ યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે પ૦ હજારથી ૭પ હજાર સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે પ હજાર ખેડૂતોને લાભ આપવા ૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે ૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
– પશુદાણ સહાય યોજના
આ યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમ્યાન એક માટે કુલ ૧પ૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પ૦ ટકા રકમની સહાય આપવામાં આવશે. આ માટે ર૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
-પાંજરાપોળ માટે નવી યોજનાની જાહેરાત
આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઇક્રો ઇરીગેશન, ર્સ્પ્રીકર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ અપાશે. આ માટે ૧૦૦ કરોડની જોગવાઈ.
– લારીવાળાને સરકાર છત્રી આપશે
રોડની સાઈડમાં કે ખુલ્લી જગ્યામાં ઉભા રહીને ફળફળાદી, શાકભાજી વગેરેનું વેચાણ કરે છે. તેવા નાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતા ફળફળાદી, શાકભાજી બગડી ન જાય એ માટે મોટી સાઈઝની છત્રી આપવામાં આવશે. આ માટે ૬૫ હજાર છૂટક વેચાણકારો માટે ૮ કરોડની જોગવાઈ
– માછીમારોને એન્જીન ખરીદીમાં સહાય
પરંપરાગત રીતે માછીમારી કરતા નાના માછીમારોને એન્જિનની ખરીદીમાં સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત દરિયાઇ ફીશીંગ બોટ, ૨ સ્ટ્રોક, ૪ સ્ટ્રોક આઇબીએમ અને ઓબીએમ એન્જિન ખરીદવા માટે યુનિટ કોસ્ટ રૂપિયા ૧.૨૦ લાખના ૫૦ ટકા સહાય આપવામાં આવશે. ૯ કરોડની જોગવાઈ કરવામાં આવી.
– સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના
રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા સ્કૂલ ઓફ એક્સલન્સ યોજનાની જાહેરાત કરવામાં આવી. આ યોજના હેઠળ રાજ્યની ૫૦૦ શાળાઓને વિકસાવવામાં આવશે. તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને આ સ્કૂલમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે. આવી શાળાઓમાં તમામ અદ્યતન માળખાકીય સુવિધાઓ, સ્માર ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમલેબ અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે ૨૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
– નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ
એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે ૧૮૦ કરોડના ખર્ચે ૬૦૦ પથારીની નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી. આ હોસ્પિટલ માટે ચાલુ વર્ષે ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી. તેમજ ૧૦ હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
– ૧પ૦૦ અગરીયા પરિવારો માટે રણ આંગણવાડી શરૂ કરાશે.
પોષણ અભિયાન અંતર્ગત ૧૦૦ ટકા સુપોષિત આંગણવાડીની સિદ્ધિ હાંસલ કરનાર પાયાના કર્મચારીઓને પોષણ ત્રિવેણી પોત્સાહન પુરસ્કાર યોજનાની જાહેરાત કરવામાં આવી. જે અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે ૧૨ હજાર અને ૬ હજાર તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડીને સુપોષિત કરનાર પ્રત્યેક આશા વર્કર અને એ.એન.એમને ૧૨ હજારનો પુરસ્કાર આપવામાં આવશે. આ માટે ૮ કરોડની જોગવાઈ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના ૧૫૦૦ અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી શરૂ કરવામાં આવશે.
-માદરે વતન યોજના
આ યોજના હેઠળ ગામમાં શાળા, શાળાના રૂમ, સ્માર્ટ ક્લાસ, આંગણવાડી, સ્મશાન, દવાખાનું, રસ્તા, પીવાના પાણીની ટાંકી, ગામ તળાવ, ગટર વ્યવસ્થા, સામૂહિક શૌચાલય, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર વગેરે જેવી સુવિધાઓ વિકસાવવા માટે દાતાશ્રી દ્વારા આપવામાં આવતા દાનની રકમ જેટલી જ મેચિંગ રકમ રાજ્ય સરકાર દ્વારા ઉમેરવામાં આવશે.
– અનાજ-મસાલા દળવાની ઘંટી ખરીદવા સહાય
આ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ, મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી ૧ લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય સરકાર દ્વારા સીધે સીધું બેન્કોને આપવામાં આવશે. આ યોજના હેઠળ વ્યાજ સહાય આપવા કુલ ૧૯૩ કરોડની જોગવાઈ કરવામાં આવી.
– શ્રમિકોને મુસાફરી સહાય યોજના
આ યોજના હેઠળ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે ૧,૨૦ લાખ બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવામાં આવશે.
– મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય
મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાન છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ એમ કુલ ચાર માસ સુધી માસિક ૫ હજારની સહાય આપવામાં આવશે. આમ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય પેટે કુલ ૨૭,૫૦૦ આપવામાં આવશે.

સરકારની આવકના અંદાજો
બાબત રૂા. કરોડમાં
કરવેરા સિવાયની આવક ૧૪૬૦૦.૦૦
કેન્દ્ર સરકાર તરફથી સહાયક અનુદાન ૧૬૦૯૪.૦૦
રાજ્ય GST ૫૫૫૬૦.૦૦
રાજ્ય વેરા (રાજ્ય GST સિવાય) ૪૯પ૪૭.૦૦
કેન્દ્રીય કરવેરામાં હિસ્સો ર૬૬૪૬.૪૬
લોન અને પેશગીની વસૂલાત (અન્ય આવક સહિત) ર૬પ.૦૧
જાહેર હિસાબ (ચોખ્ખો) પરરપ.૦૦
જાહેર દેવું ૪૬પ૦૧.૦૦
કુલ ર૧૪૭૩૮.૪૭

સરકારના ખર્ચના અંદાજો
બાબત રૂા. કરોડમાં
વિકાસલક્ષી ખર્ચ ૧૩૩ર૮૩.૪૩
બિન-વિકાસલક્ષી ખર્ચ (જાહેર દેવું, લોન
અને પેશગીઓ સિવાય) ૬૧ર૯૭.૯૧
જાહેર દેવાની ચૂકવણી ૧૭૮૮૪.૭૦
લોન અને પેશગી ૧ર૧૮.૮૪
સહાયક અનુદાન અને ફાળો ૪૪૮.૧૬
કુલ ચોખ્ખી લેવડ-દેવડ ૬૦પ.૪૩
કુલ ર૧૪૭૩૮.૪૭

ખેડૂતોને ખેતરમાં ગોડાઉન બનાવવા સહાય મળશે

કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, જીવજંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરાઈ હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન-ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ ૩૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. આવા સ્ટ્રક્ટરના બાંધકામ માટે એન.એ.ની મંજૂરીથી મુકિત આપવામાં આવશે. જેના માટે ૩૦૦ કરોડની જોગવાઇ.કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર દીઠ ૪૫,૦૦૦ થી ૬૦,૦૦૦ની સહાય તેમજ આશરે ૩૨,૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૩૫ કરોડની જોગવાઇ કરાઈ છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
માટે ૭,૪૨૩ કરોડની જોગવાઇ

વર્ષ ૨૦૨૦ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે ૩૯,૦૦૦ કરોડનું ટૂંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે. જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેન્કને ચુકવવામાં આવે છે. આમ, ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે. જે માટે રૂા.૧૦૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે. રાજય સરકારની ભલામણ ધ્યાને લઇ ભારત સરકારે પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઇચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા ૧,૧૧૯૦ કરોડની જોગવાઇ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડની જોગવાઇ.

પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને ગાય
દીઠ માસિક ૯૦૦ રૂા.ની સહાય

વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી. થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે. અમે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે. હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાની જાહેરાત કરાઈ છે. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક ૯૦૦ એટલે કે વાર્ષિક ૧૦,૮૦૦ સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે, લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે ૫૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે ૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે.

ધાર્મિક સ્થળો, ધર્મશાળા, કોલ્ડ સ્ટોરેજ અને વેપારીઓના વીજ કરમાં ઘટાડો

અમદાવાદ,તા. ૨૬
વર્ષ ૨૦૨૦-૨૧ના ગુજરાત રાજયના બજેટમાં રૂપાણી સરકારે ગુજરાતને વીજવપરાશના કરમાં ઘટાડાની સૌથી મોટી ભેટ આપી છે. સરકારે વીજકર મામલે ઘટાડાનો નિર્ણય લેતાં લાખો લોકોને આ બાબતની સીધી અસર થશે. ગુજરાતમાં અનેક મહત્ત્વના ધાર્મિક સ્થળો અને ધર્મ શાળાઓ છે. જેમાં વીજ વપરાશ કર અત્યારસુધીમાં ૨૫ ટકા હતો. જે બજેટમાં ઘટાડી દેવાયો છે. જેમાં ધાર્મિક સ્થળોમાં ગ્રામ્ય વિસ્તારમાં ૭.પ ટકા અને શહેરી વિસ્તારમાં ૧પ ટકા વીજ કર કરાયો છે. એચટી વીજજોડાણ ધરાવતી ધર્મશાળાઓ માટે ૧૫ ટકા અને એલટી વીજ જોડાણ ધરાવતી ધર્માશાળાઓએ ૧૦ ટકા વીજદર ભરવો પડશે. જેના પગલે ૮૧પ ધર્મશાળાઓને લાભ મળશે. આ ઉપરાંત રાજ્યમાં લાખો દુકાનદારો કરિયાણું, કાપડ, મેડિકલ સ્ટોર,હાર્ડવેર, કલર, પ્રોવિઝન સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઈલ શોપ, ગેરેજ જેવા વ્યવસાયમાં જોડાયેલા છે. તેમની દુકાનો સ્ટોર શોપિંગ સેન્ટરમાં આવેલી છે. વધુમાં વકીલો, સીએ, ટ્રાવેલ એજન્સી, ટ્રાન્સપોર્ટ ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડિયો, બ્યુટી પાર્લર, સલુન માધ્યમથી સર્વિસ સેક્ટરમાં કાર્યરત છે. આ તમામ વ્યવસાયના સ્થળોના વીજ વપરાશ અત્યારસુધીમાં ૨૫ ટકા હતો. જે સરકારે ઘટાડીને ૨૦ ટકા કરી દીધો છે. આ લાભ રાજ્યના ૩૦ લાખ દુકાન કે ઓફિસ ધારકોને થશે. સરકારે ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરી છે. હાલમાં કોલ્ડ સ્ટોરેજ પર ૨૦ ટકાના દરે વીજકર લાગુ કરવામાં આવે છે. રાજ્યના કૃષિ વિકાસમાં ખેડૂતોના આર્થિક હિતો જોડાયેલા હોવાથી કોલ્ડ સ્ટોરેજ જેવી સવલતોને ધ્યાને લેતાં સરકારે વધુ રાહત આપી છે. હાલમાં કોલ્ડસ્ટોરેજ પર લાગતો વીજકર ઘટાડીને ૧૦ ટકા કરી દેવાયો છે. જેને પગલે સરકારેને ૩.૬૦ કરોડનો ફટકો પડશે. રાજ્યમાં આવેલા મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરૂદ્વારા, દેરાસર કે અગિયારી જ્યાં પૂજા અને પ્રાર્થના કે નમાજ પઢવામાં આવતી હોય તેમજ દેરી, સમાધિ, સ્મશાનગૃહ અને કબ્રસ્તાન જેવા વીજ વપરાશ પર ૨૫ ટકા વીજકર હતો. જે બાબતે સાધુ સંતોની રજૂઆતોને અંતે સરકારે ગ્રામ વિસ્તારમાં ૭.૫ ટકા અને શહેરી વિસ્તારમાં આ કર ૧૫ ટકા કરી દીધો છે. સરકારના આ નિર્ણયને પગલે ૧૦,૫૦૦ ધાર્મિક સ્થળોને ફાયદો થશે. જે મહત્ત્વનો નિર્ણય મનાઇ રહ્યો છે. આમ સરકારે વીજકરમાં કુલ રૂા.૩૩૦.૧૬ કરોડની રાહત આપી છે.