અમદાવાદ, તા.૧૪
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કપાસનું વાવેતર થતું હોય છે ત્યારે ખેડૂતોનો ઉત્પાદિત માલ સત્વરે વેચાય તો લોકડાઉનની આ પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયરૂપ થઇ શકાય એ માટે આ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં કાર્યરત સીસીઆઇના કેન્દ્રો દ્વારા આ ખરીદીની પ્રક્રિયા સત્વરે ગોઠવાય તે માટે પણ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે. ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોના હિતમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીને રજૂઆત કરી છે. એમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
વધુમાં સચિવ અશ્વિનીકુમારે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે ટેકાના ભાવે કરેલી ખરીદીની વિગતો આપતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને લોકડાઉનની સ્થિતીમાં પણ તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સતત ચિંતા કરીને સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે જેના ભાગરૂપે તા. ૧પ એપ્રિલથી અત્યાર સુધીમાં રાજયમાં ગુજકોમાસોલ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. અને સીસીઆઇના મારફતે કપાસની ખૂબ જ મોટા પ્રમાણમાં રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જેમાં ખેડૂતો પાસેથી તા. ર૭ એપ્રિલથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા કુલ રૂ. ર૬.૪ર કરોડના ૧૩,૭રર મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. જ્યારે તા.૧ મે થી અત્યાર સુધીમાં આશરે રૂ. ર૦ કરોડથી વધુ કિંમતની ૩૩૮૩ મે.ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. ગુજકોમાસોલ દ્વારા તા. ૧ મે થી અત્યાર સુધીમાં રૂ. ૧૧૯ કરોડના કિંમતના ર૪,૩૭૦ મે.ટન ચણાની ખરીદી કરવામાં આવી છે. જ્યારે રૂ. ૧૭ કરોડની કિંમતના ૩૭પ૭ મે.ટન રાયડાની પણ ખરીદી કરીને ખેડૂતોનો પોષણક્ષમ ભાવ આપ્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીના સચિવએ કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં કુલ-૧ર૭ માર્કેટયાર્ડ કાર્યરત છે જેના માધ્યમથી રાજ્યના ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં કુલ-૪૦ લાખ ક્વિન્ટલ અનાજની ખરીદી કરવામાં આવી છે. જેમાં ૧૩ લાખ ક્વિન્ટલ ઘઉં, ૯.પ લાખ ક્વિન્ટલ એરંડા, ર લાખ ક્વિન્ટલ રાયડો, ૧.૬૦ લાખ ક્વિન્ટલ ચણા, ૧.૯૦ લાખ ક્વિન્ટલ કપાસ, ૮ર,૦૦૦ ક્વિન્ટલ મગફળી જ્યારે ૩૭,૪૪ર ક્વિન્ટલ તમાકુનો સમાવેશ થાય છે. આ તમામ ખરીદી વખતે માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને જીસ્જીના માધ્યમથી જાણ કરીને માસ્ક સાથે સંપૂર્ણ સામાજિક અંતર જાળવીને આ ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. લોકડાઉનની સ્થિતિમાં પણ રાજ્ય સરકારે ધરતીપુત્રો પાસેથી તેમની જણસ ટેકાના ભાવે ખરીદીને તેમનું પુરતું વળતર આપ્યું છે.