ખેડૂતોને દેશવિરોધી કહેવું પાપ છે : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ખેડૂતો માટે એવા શબ્દોનો ઉપયોગ કરવો પાપ છે, જો સરકાર તેમને દેશદ્રોહી કહી રહી છે તો સરકાર પાપી છે. પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે અમે લોકશાહીમાં રહીએ છીએ અને તેઓ ચૂંટાયેલા સાંસદ છે અને તેમને રાષ્ટ્રપતિને મળવાનો અધિકાર છે. સરકાર આ લાખો ખેડૂતોનો અવાજ સાંભળવા તૈયાર નથી.

ભારતમાં લોકશાહી નથી, લોકશાહી માત્ર સપનામાં જ છે, નવા કૃષિ કાયદાઓ ખેડૂતો અને મજૂર વિરોધી છે, સરકાર કાયદાઓ રદ કરવા માટે સંસદનું ખાસ સંયુક્ત સત્ર બોલાવે, ખેડૂતો સામે કોઇ શક્તિ જીતી શકી નથી : રાહુલ ગાંધી
કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરૂદ્ધ કોંગ્રેસ શેરીઓમાં ઊતરી, પોલીસે કોંગ્રેસની રાષ્ટ્રપતિ ભવન તરફની કૂચ અટકાવી, અંતે રાહુલ ગાંધી સાથે અધીર રંજન ચૌધરી અને ગુલામનબી આઝાદને રાષ્ટ્રપતિને મળવાની મંજૂરી અપાઇ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
રાહુલ ગાંધીએ ગુરૂવારે પીએમ મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતાં એક મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે કહ્યું હતું કે, દેશમાં લોકશાહી જેવું કાંઇ બચ્યું નથી, કોઇને પણ આતંકવાદી ગણાવી દેવાય છે એટલે સુધી કે, મોહન ભાગવત પણ મોદી વિરૂદ્ધ બોલે તો આતંકવાદી ગણાવી દેવાય. મૂડીવાદી મિત્રોને ખુશ કરવા માટે લવાયેલા ત્રણ કૃષિકાયદાઓ રદ કરવાની તેમણે માગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, મોદી મૂડીવાદી મિત્રો પાસેથી નાણા મેળવી રહ્યા છે. તેમની સામે જે પણ બોલશે તેને આતંકવાદી ગણાવાશે પછી તે ખેડૂત હોય, શ્રમિકો હોય કે પછી મોહન ભાગવત કેમ ના હોય. ભારતમાં લોકશાહી માત્ર સપનામાં જ છે પરંતુ ખરેખર તે ખતમ થઇ ગઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા ત્રણ કૃષિકાયદાઓ વિરૂદ્ધ કોંગ્રેસે ગુરૂવારે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી હતી જેમાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ તથા લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી પણ સામેલ હતા. જોકે, પોલીસે ધારા ૧૪૪ના બહાને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હતી અને આખરે ત્રણ લોકોને રાષ્ટ્રપતિને મળવાની પરવાનગી અપાઇ હતી. રાષ્ટ્રપતિને આવેદન આપ્યા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહી જેવું કાંઇ બચ્યું નથી. રાષ્ટ્રપતિને આપેલા આવેદનમાં નેતાઓએ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા માટે ખાસ સંસદનુંં સત્ર બોલાવવાની માગ કરી હતી. રાષ્ટ્રપતિને મળવાની પરવાનગી ત્રણ નેતાઓને આપ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરીને પોલીસ તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે, હું વડાપ્રધાનને કહેવા માગું છું કે, ખેડૂતો પાછા નહીં જાય. વડાપ્રધાને એ વિચારવાનું છોડી દેવું જોઇએ કે ખેડૂતો ઘરે પરત ફરશે. તેમની માગો પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ પરત જશે નહીં. સંસદનું સંયુક્ત સત્ર બોલાવો અને કાયદાઓ પરત ખેંચો.
કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા ૨૯ દિવસથી દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને લઇને કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત ત્રણ નેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. અટકાયત બાદ પોલીસ દ્વારા થોડા સમય બાદ કોંગ્રેસના નેતાઓને છોડી દેવામાં આવ્યાં હતા. કોંગ્રેસના નેતાઓ વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન માર્ચ યોજવાના હતા. જો કે આ અગાઉ કોંગ્રેસની આ માર્ચને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. આ બાદ કોંગ્રેસના ત્રણ નેતાઓને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની મંજૂરી મળી હતી. જેને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ગુલામ નબી આઝાદ, અધિર રંજને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બે કરોડ લોકોના હસ્તાક્ષર સહિત મેમોરેન્ડમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપ્યું હતું. કોંગ્રેસે રાષ્ટ્રપતિને ત્રણ નવા કૃષિ કાયદા પરત લેવાની માંગ કરી હતી. રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે ભારતમાં લોકતંત્ર નથી બચ્યું. પાર્ટી નેતાઓની ધરપકડ અંગે તેઓએ કહ્યું કે લોકતંત્ર સપનામાં ભલે હોય પરંતુ હકીકતમાં તે બિલકુલ નથી.
રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ કહ્યુ કે, રાષ્ટ્રપતિને અમે કહ્યુ કે આ જે કાયદા બનાવવામાં આવ્યા છે તે ખેડૂત વિરોધી છે અને તેમાં ખેડૂતો, મજૂરોને નુકસાન થવાનું છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે ખેડૂત હટશે નહી, વડાપ્રધાને એમ ના વિચારવુ જોઇએ કે ખેડૂત, મજૂર ઘરે જતા રહેશે. રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર સંસદનું સંયુક્ત સત્ર બોલાવે અને આ કાયદાને તુરંત પરત લે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, આજે ખેડૂત દુખી છે અને દર્દમાં છે, કેટલાક ખેડૂતોના મોત પણ થયા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, ખેડૂતો સામે કોઇ શક્તિ ઉભી નથી થઇ શકતી, નવા કૃષિ કાયદાથી દેશને નુકસાન થશે. ખેડૂત કૃષિ કાયદા વિરૂદ્ધ ઉભા છે, તેમણે કાયદો પરત લેવો પડશે. સરકાર વિરૂદ્ધ બોલનારા લોકોને દેશદ્રોહી કહેવામાં આવે છે.