૮મી ડિસેમ્બરે ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ સહિતના અનેક વિરોધપક્ષોનું સમર્થન
ઉગ્ર બનેલા ખેડૂત આંદોલનને કલાકારો, ખેલાડીઓ, વિદ્વાનો, વિદેશી ભારતીયો, સહિત અનેક લોકોનું સમર્થન, ટેકામાં બાર કાઉન્સિલ અને વેપારી તથા ટ્રાન્સપોર્ટ યુનિયનો પણ જોડાયા
(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ૧૧મા દિવસમાં પ્રવેશ્યું હતું ત્યારે મંગળવારે આપેલા ભારત બંધને વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને તેમાં વિપક્ષી પાર્ટીઓ સહિત પંજાબ બાર કાઉન્સિલ અને વેપારી તથા ટ્રાન્સપોર્ટ યુનિયનો જોડાયા છે. શનિવારે ખેડૂત નેતાઓ કેન્દ્રના મંત્રીઓને મળ્યા હતા જે સપ્ટેમ્બરથી પાંચમી મંત્રણા હતી પરંતુ પાંચ કલાકની મંત્રણા મુખ્ય મુદ્દા કાયદાઓ પરત ખેંચવાની માગ સાથે પડી ભાંગી હતી. બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, કેન્દ્ર ઉકેલ શોધવા માટે કટિબદ્ધ છે પરંતુ ખેડૂતો દિલ્હી બહાર પ્રદર્શનો કરે અને વૃદ્ધ મહિલાઓ તથા બાળકોને ઘરે પરત મોકલે. બુધવારે છઠ્ઠીવાર મંત્રણા થશે ત્યારે કેન્દ્ર સરકાર ખેડૂતો પાસે નવા પ્રસ્તાવ સાથે આવશે. અત્યારે અને પછીની વાતો વચ્ચે કેન્દ્ર સરકાર પર દબાણ વધારવા માટે મંગળવારે ખેડૂતો દ્વારા ભારત બંધની જાહેરાત કરાઇ છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. મંત્રણા સાથે વધુ મોહભંગ થયું હોવાના ખેડૂતોના સંકેતો સાથે મંગળવારે બોલાવેલા ભારત બંધને કોંગ્રેસ સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે જેમાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ સમર્થન આપ્યું છે. સમર્થન આપનારા વિપક્ષોમાં ડીએમકે, આરજેડી, સમાજવાદી પાર્ટી, એનસીપી, જમ્મુ-કાશ્મીરમાં નવા બનેલા પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ડેકલેરેશન અને સંયુક્ત ડાબેરી પક્ષોએ એકીસાથે સમર્થનમાં નિવેદન જારી કર્યું છે.
૨. સોનિયા ગાંધી, શરદ પવાર, એમકે સ્ટાલિન, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ સહિતના નેતાઓની સહીવાળા નિવેદનમાં કહેવાયું છે કે, ભારતીય ખેડૂતો દ્વારા ચલાવાઇ રહેલા વિશાળ સંઘર્ષને અમારો ટેકો છે અને ૮મી ડિસેમ્બરે તેમણે બોલાવેલા બંધને પણ અમારો ટેકો છે. ખેડૂતો કાળા કૃષિ કાયદાઓ અને નવા ઇલેકટ્રીસિટી સુધારા બિલને રદ કરવાની માગ કરી રહ્યા છે.
૩. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવેપણ બંધનુંં સમર્થન કર્યું છે. જ્યારે બંગાળમાં સત્તાધારી તૃણમુલ કોંગ્રેસે પણ ખેડૂતોને નૈતિક સમર્થન આપ્યું છે. રાજ્યમાં ત્રણ દિવસ સુધી વિવિધ સ્થળોએ ધરણા કરાશે.
૪. વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત વેપારી યુનિયનના સંયુક્ત પ્લેટફોર્મ, ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ અને હિંદ મજદૂર સભાએ પણ આ બંધને ટેકો આપ્યો છે.
૫. આ બંધ દરમિયાન ખેડૂતોએ રાષ્ટ્રીય હાઇવે જામ કરવા અને ટોલ પ્લાઝા કબજે કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ખેડૂતોએ પાટનગરને જોડતાં રાષ્ટ્રીય હાઇવે પર ચક્કાજામ કરવાની ચેતવણી પણ આપી છે. આ હાઇવે પર હજારો ખેડૂતો પ્રદર્શનકારીઓ એકઠા થયા છે.
૬. શનિવારે મળેલી બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓ કેન્દ્રના મંત્રીઓ પર ગુસ્સે ભરાયા હતા અને મંત્રણા પડી ભાંગી હતી. ખેડૂતોએ વિજ્ઞાન ભવનમાં જ ધરણા કર્યા હતા. તેમણે કાયદાઓ પરત ખંતવા માટે હા કે નામાં જવાબ માગ્યો હતો. ખેડૂતો અર્થવગરની મંત્રણા ગણાવીને પોતાની બેઠકો પરથી ઉભા થઇ ગયા હતા.
૭. ખેડૂતો ત્રણેય કાયદાઓ રદ કરવાની માગ પર અડગ છે જ્યારે સરકાર ખેડૂતોને સમજાવી રહી છે કે, આ કાયદાઓ તેમના હિતમાં છે અને તેઓ દેશમાં કોઇપણ સ્થળે પોતાની ઉપજ વેચી શકે છે. જોકે, કૃષિ નિષ્ણાત જણાવે છે કે, આનાથી ખેડૂતોને એમએસપી મળશે નહીં અને તેઓએ કોર્પોરેટ જગત પર નિર્ભર રહેવું પડશે.
૮. શનિવારની બેઠક બાદ તોમરે કહ્યું હતું કે, એમએસપી સાથે કોઇ છેડછાડ કરાશે નહીં. આ યોજનાથી તેમને કોઇ જોખમ નથી. સરકાર મંડી પ્રથાને પણ રદ કરી રહી નથી. વડાપ્રધાન મોદી ખેડૂતોને વધુ સ્વતંત્રતા આપી રહ્યા છે. પરંતુ ખેડૂતોએ તમામ કાયદાઓ રદ કરવાની માગ કરી છે.
૯. બીજી તરફ દિલ્હીના એક રહેવાસીએ ખેડૂતોના આંદોલનને કારણે ઇમરજન્સી મેડીકલ સેવાઓ અવરોધાવાને કારણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. દેખાવો માટે જાહેર સ્થળો પર કબજો ના કરી શકાય તેવા સુપ્રીમ કોર્ટના શાહીનબાગના ચુકાદા સાથે સાંકળી આ અરજી કરાઇ હતી.
૧૦. આંદોલન દરમિયાન અત્યારસુધી ત્રણ ખેડૂતો મોતને ભેટ્યા છે. ખેડૂતોએ સરકારને અમાનવીય ગણાવીકહ્યું છે કે, ઠંડીમાં તેઓ અમારા પર ઠંડા પાણીનો છંટકાવ કરે છે. પંજાબ સરકારે મોતને ભેટનારા ત્રણેય ખેડૂતોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
Recent Comments