કેન્દ્રએ મંજૂર કરેલા સ્થળે પ્રદર્શન કરવા ધરતીપુત્રો તૈયાર નથી : બીજી તરફ ખેડૂતો બુરાડી મેદાન ખાતે જ દેખાવો કરે તેવી મોદી સરકારની જીદ : જો ખેડૂતો અમે નક્કી કરેલા સ્થળે આંદોલન કરશે તો ત્રણ ડિસેમ્બર પહેલાં જ તેમની સાથે વાતચીત કરાશે : કેન્દ્રીય ગૃહમંત્રીની શરત

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
કેન્દ્રના કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોના મિજાજને પારખી ગયેલી સરકારે હવે તેમને દિલ્હીમાં શાંતિપૂર્ણ પ્રદર્શન માટે મંજૂરી આપી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે આ મંજૂરી બાદ એક નવો વિવાદ પેદા થયો છે. સરકારે જે સ્થળે પ્રદર્શન કરવાની પરવાનગી આપી છે તે સ્થળ ધરતીપુત્રોને મંજૂર નથી. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તેમની સરકાર આંદોલન કરી રહેલા ધરતીપુત્રો સાથે વાતચીત કરવા તૈયાર છે. પણ આ માટે શાહે જગતના તાત સામે શરત મૂકી હતી અને જણાવ્યું હતું કે, ખેડૂતોએ સરકાર દ્વારા નક્કી કરેલા સ્થળે દેખાવો કરવા પડશે. જો ખેડૂતો સરકાર દ્વારા નક્કી કરેલા સ્થળે પ્રદર્શન કરશે તો બીજા જ દિવસે તેમની સાથે વાતચીત કરવામાં આવશે. જો કે શાહના આ નિવેદનની ખેડૂતો પર કોઈ અસર દેખાઈ રહી નથી. હજુ પણ સિંઘુ બોર્ડર (દિલ્હી-હરિયાણા) ખાતે ચોટી રહ્યાં છે. આ સ્થળે પંજાબથી આવેલા ખેડૂતોની બેઠક યોજાઈ હતી. જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. બીજી તરફ કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ કરી રહેલા ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા સળગાવ્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ ભાગોમાંથી હજારો ખેડૂતોને પ્રવેશ કરવાની અને ઉત્તર દિલ્હીના મેદાનમાં કૃષિ કાયદા સામે પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે. ખેડૂતોના કેટલાક પ્રતિનિધિઓએ બુરાડીમાં પોલીસ અધિકારીઓ સાથે નિરંકારી સમાગમ મેદાનનું નિરિક્ષણ કર્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સિંઘુ બોર્ડરના ખેડૂતો હાલ બુરાડી નિરંકારી મેદાન ખાતે જવા તૈયાર નથી. સિંઘુ બોર્ડર ખાતે મોદીના પૂતળા સળગાવવામાં આવ્યા હતા. ઉત્તરરેન્જના જોઈન્ટ કમિશ્નર એસએસ યાદવે જણાવ્યું હતું કે, ખેડૂતો સાથે અલગ અલગ સ્તરે વાતચીત ચાલી રહી છે. હાલ ખેડૂતો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યાં છે. કોઈ ઉકેલ નીકળવાની આશા છે. ટિકરી બોર્ડર ખાતે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેડૂતોને બુરાડીના નિરંકારી મેદાનમાં પ્રદર્શન માટે મંજૂરી મળ્યા છતાં તેઓ ત્યાં જ ચોંટેલા છે. જેથી સલામતીની પૂરતી વ્યસ્થા ગોઠવવામાં આવી છે. કેટલાક ખેડૂત સંગઠનો બુરાડી ખાતે દેખાવો કરવા તૈયાર છે. કેટલાક ખેડૂત પ્રતિનિધિઓનું કહેવું છે કે, તેઓ હરિયાણામાં અટવાયેલા પોતાના સાથીઓનો ઈન્તેજાર કરી રહ્યાં છે. ભારતીય કિસાન યૂનિયનના પ્રમુખ બૂટા સિંહ બર્જગિલે જણાવ્યું હતંુંં કે, ઘણાં ખેડૂત નેતાઓ હજુ પણ દિલ્હીના રસ્તે છે. ક્રાંતિકારી કિસાન યૂનિયનના પ્રમુખ દર્શન પાલે જણાવ્યું હતું કે, તેઓ બુરાડી જવાની તરફેણમાં છે. કેમ કે, તેમણે ચલો દિલ્હી કાર્યક્રમનું આહ્વાન કર્યું હતું. આ પ્રદર્શનનો હેતુ દિલ્હી પહોંચી ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા સરકાર પર દબાણ બનાવવાનો છે.