(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
કોંગ્રેસે બુધવારે ભાજપ પર કોર્પોરેટના હિતોને મદદ કરવા બદલ આકરા પ્રહાર કર્યા છે જ્યારે ખેડૂત આંદોલનનો ઝડપી ઉકેલ લાવવા અને સપ્ટેમ્બરમાં લાગુ કરાયેલા નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માગ પણ કરી હતી. કોંગ્રેસના નેતા કુમારી શૈલજાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂત નેતાઓને કેટલીયે વાર મળી છે. બુધવારે પણ તેણે ખેડૂતોને બોલાવ્યા હતા પરંતુ જ્યારે સરકાર સમાધાન માટે તૈયાર જ નથી ત્યારે શું આગળ વાત વધશે. તેમણે કહ્યું કે, સરકારે ખેડૂતોને સમર્થન આપવું જોઇએ અને કાયદાઓ રદ કરીને તેમની માગો પૂરી કરવી જોઇએ. શેલજાએ કહ્યું કે, સમગ્ર દેશ ખેડૂતો પર નિર્ભર છે. આ એવો સમય છે કે, સરકારે તેમને અપનાવવા જોઇએ. લોકોએ ભાજપમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. હરિયાણાના ૧૦ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રીએ જમીની સ્થિતિ દેખાડવા માટે વડાપ્રધાનને સમજાવવા પ્રતિનિધિમંડળ લઇ જવું જોઇએ. અન્ય કોંગ્રેસી નેતા પ્રિતમ સિંહે સરકાર પર લોકશાહીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું સરકાર સાથેની મંત્રણા અનિર્ણિત રહી છે. સરકાર ખેડૂતોને વાત માટે લઇ આવે છે પણ કહે છે કે, કાયદા રદ નહીં થાય. સરકારની જવાબદારી છે કે, કાયદાઓ રદ કરીને મડાગાંઠનો અંત લાવે.