(એજન્સી) નવી દિલ્હી, તા.૭
એક તરફ ખેડૂત આંદોલને કેન્દ્રની મોદી સરકારની ઊંધ હરામ કરી છે તો બીજી તરફ આ આંદોલન કોમી એકતાના પ્રતિક જેવું પુરવાર થઈ રહ્યું છે. આ પ્રદર્શનો દરમ્યાન નમાઝ અદા કરી રહેલા મુસ્લિમો પ્રત્યે આદર વ્યક્ત કરવા શીખો સુરક્ષા કવચની જેમ તેમની પડખે ઊભા રહ્યાં હતા. આ ઘટનાની તસ્વીરો પણ જોવા મળી હતી. આ તસ્વીરો ભારતની કોમી એકતાની અદ્દભૂત મિસાલ બની રહી હતી. આ પ્રસંગના વીડિયોમાં પણ જોવા મળ્યું હતું કે, શીખો નમાઝ પઢી રહેલા પોતાના મુસ્લિમ બંધુઓની સુરક્ષા કરી રહ્યાં હતા. જેથી મુસ્લિમ લોકો કોઈપણ અડચણ વિના શાંતિથી નમાઝ અદા કરી શકે. ખેડૂતોના પ્રદર્શન સ્થળ ખાતે આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. પત્રકાર રાણા ઐયુબ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ઐયુબે ટ્વીટર આ વીડિયો શેર કરી લખ્યું હતું કે, આ ઘટનાએ મને લાગણીસભર બનાવી દીધી હતી. ખેડૂત આંદોલન દરમ્યાન સમર્થન વ્યક્ત કરવા શીખ ભાઈઓ નમાઝ અદા કરી રહેલા મુસ્લિમ બંધુઓની નજીક ઊભા રહી ગયા હતા. ગત ૨૭ નવેમ્બરથી ધરતીપુત્રો દિલ્હી બહાર પોતાની માંગો સાથે પ્રદર્શન કરી રહ્યાં છે. મોદી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા એ ખેડૂતોની મુખ્ય માંગ છે. ખેડૂતોનું માનવું છે કે, આ નવા કાયદાને કારણે તેમણે કોર્પોરેટ ગૃહો પર આધાર રાખવો પડશે અથવા તેમની દયા પર જીવવું પડશે. આ આંદોલનમાં ૫૦૦થી વધુ ખેડૂત યુનિયનો અને ટ્રાન્સપોર્ટ યુનિયનો જોડાયા છે. દિલ્હી બહાર દેખાવો કરી રહેલા ખેડૂતોએ આવતીકાલે ભારત બંધની ઘોષણા કરી છે. ખેડૂતોના આ બંધને દેશની વિવિધ રાજ્કીય પાર્ટીઓ અને અગ્રણી લોકોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. બોલિવૂડની ઘણી હસ્તિઓ અને રમતવીરોએ પણ જગતના તાતને પોતાનો ટેકો જાહેર કર્યો છે.
Recent Comments