ડેપ્યુટી મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે મુલાકાત કરી

(એજન્સી) ચંદીગઢ, તા. ૧૮
ખેડૂત બિલને લઇને અકાલી દળના એકમાત્ર કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે મંત્રી પદ છોડ્યા બાદ હરિયાણામાં ભાજપના સાથી પક્ષ જનનાયક જનતા પાર્ટી(જેજેપી) પર પણ દબાણ વધ્યું છે. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા શુક્રવારે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને મળ્યા હતા. બાદમાં તેમણે સમગ્ર મામલે પોતાના પક્ષના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી હતી. ૯૦ વિધાનસભા બેઠકોવાળા હરિયાણામાં જેજેપીના ૧૦ ધારાસભ્યો છે. જેમણે ભાજપને સત્તામાં આવવામાં મદદ કરી છે.
બાદલના રાજીનામાની થોડીવારમાં જ કોંગ્રેસના રણદીપ સૂરજેવાલાએ ટિ્‌વટ કરીને નિશાન સાધ્યું હતું કે, દુષ્યંત ચૌટાલા, હરસિમરત કૌર બાદ તમારે પણ ઓછામાં ઓછું ડેપ્યુટી સીએમ પરથી રાજીનામું આપી દેવું જોઇએ. પરંતુ તમે પણ ખેડૂતો કરતા વધારે ખુરશી સાથે પ્રેમ રાખો છો. દરમિયાન દીપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે, પંજાબના અકાલી દળ, આપે સંસદમાં કોંગ્રેસ સાથે ખેડૂત વિરોધી ત્રણ વટહુકમોનો વિરોધ કરવાનો સાહસ કર્યો. પરંતુ દુર્ભાગ્યથી હરિયાણામાં ભાજપ-જેજેપી સત્તા સુખ માટે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. પંજાબના તમામ પક્ષો ખેડૂતોના પક્ષમાં હોઇ શકે છે તો ભાજપ-જેજેપી કેમ નહીં ? બીજી તરફ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, દેશ ૧૯૪૭માં આઝાદ થઇ ગયો હતો પરંતુ ખેડૂતોને આ ત્રણ બિલ આવ્યા બાદ આઝાદી મળી છે. હવે તેમાં વિપક્ષી પાર્ટીઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે અને કેટલાક લોકો ગેરમાર્ગે દોરાઇ રહ્યા છે. પરંતુ અમને આશા છે કે, ધીમે-ધીમે લોકોને સમજાઇ જશે. આ બિલથી ખેડૂતોને ફાયદો થશે અને વિકાસ થશે. હરસિમરત કૌરે ખેડૂત બિલો પસાર કરવાના કલાકો પહેલા જ રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે, વારંવાર પ્રયાસ કરવા છતાં સરકારે ખેડૂતોનો વિશ્વાસ મેળવ્યો ન હતો. અમારી પાર્ટીના દરેક સભ્ય ખેડૂત છે. શિરોમણી અકાલી દળ આવું કરીને ખેડૂતોના હિતો માટે લડી રહી હોવાની વર્ષો જુની પરંપરાને જાળવી રહી છે.