(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૮
ખેડૂત હિતરક્ષક સમિતિ જૂનાગઢના સંયોજક અતુલ શેખડાએ ગુજરાત ઈલેકટ્રીક રેગ્યુલેટરી કમિશનને એક પત્ર પાઠવી અને વીજ બિલમાં ગ્રાહકોને થતો અન્યાય દૂર કરવાની માગણી કરી છે. આ પત્રમાં રજૂઆત કરતાં જણાવેલ છે કે વિજકંપની દ્વારા જ્યારે ગ્રાહક દ્વારા કોઈપણ જાતનો વીજ વપરાશ કર્યો ન હોય તેમ છતાં કંપની દ્વારા ફિક્સ ચાર્જ પેટે રૂા.૩૦૦ની રકમ વસૂલ કરવામાં આવે છે જે ગેરકાયદેસર કહેવાય, જ્યારે ગ્રાહક વીજવપરાશ કરતો જ નથી તો રૂા.૩૦૦ જેવી રકમ ફિક્સ ચાર્જ પેટે વસૂલવી ન જોઈએ તેથી આ ફિક્સ ચાર્જ રદ કરવાની માગણી કરી છે. વધુમાં વીજકંપની દ્વારા જે બિલ આવે છે તેમાં મીટર/કેપેસીટર ચાર્જ પેટે રૂા.૨૦ વસૂલવામાં આવે છે. આ રકમ જ્યારે મીટર/કેપેસીટરની મુળ કિંમત જેટલી વસૂલ થઈ જાય ત્યારબાદ વધારાની રકમ વસૂલ કરવી ન જોઈએ તેથી જે ગ્રાહકો પાસેથી મીટર/કેપેસીટરની કિંમત જેટલી રકમ વસૂલ થઈ જાય ત્યારબાદ મીટર/કેપેસીટર ચાર્જ વસૂલ કરવાનું બંધ કરવા માગણી છે. આ ઉપરાંત વીજકંપની દ્વારા ગ્રાહકને વીજ બિલ બે માસનું સાથે આપવામાં આવે છે. જેના કારણે ગ્રાહકના વીજવપરાશ (વપરાશ યુનિટ)ની એવરેજ વધારે આવે છે અને ગ્રાહકને ઊંચા સ્લેબ મુજબ યુનિટ ચાર્જ લગાવવામાં આવે છે અને ગ્રાહકને વધારે રકન ચૂકવવી પડે છે તો આ બાબતે દર એક માસે બિલ બનાવવું અથવા જો બે માસે બિલ બનાવવામાં આવે તો તે બિલનાં યુનિટ જે હોય તેના અડધા કરીને તે મુજબ યુનિટ સ્લેબ ગણી બિલ બનાવવા માગણી કરવામાં આવી છે.