સુરત, તા.૧૯
સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે ઢોડિયા પટેલ સમાજના બ્રેન્ડેડ મનુભાઈ હીરાભાઈ મહેતાના પરિવારે કિડની અને લિવર દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી સમાજને નવી દિશા બતાવી હતી.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં મનુભાઈ મહેતા (ઉં.વ.૬૭) અને તેમની પત્ની, ચાર સંતાનો સાથે રહેતા હતા. ખેતમજૂરી અને પશુપાલન કરી જીવન ગુજારતા હતા ત્યારે તા.૧૭મી ડિસેમ્બરના રોજ બામણીયા ગામે મહેતા ફળિયા નજીક અજાણ્યા બાઈકચાલકે મનુભાઈને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી બેભાન થયા હતા. તેમને તાત્કાલિક મહુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સુરતમાં ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યુરોસાઈન્સ સુરત (આઈએએસ)માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને બ્રેઈન હેમરેજ થતા તેમનું તા.૧૮મી ડિસેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. ત્યારબાદ ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલમાં પહોંચી તેમના પુત્રોને ડોનેશનનું મહત્ત્વ સમજાવ્યું હતું અને તેમના પુત્રોને કિડની અને લિવરનું દાન આપવા જણાવ્યું હતું. દાનમાં એક કિડની ભાવનગરના તનસુખ બચુભાઈ ચોપડા (ઉં.વ.૪૧), બીજી કિડની અમદાવાદના કે.સી.દયાનંદ કુન્તી કાનન નામ્બીયાર (ઉં.વ.પ૮) અને લિવર ગાંધીનગરના મહેશ બાબુભાઈ પટેલ (ઉં.વ.૪૭)માં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.