ભાજપ સરકાર દ્વારા એક્ટિવિસ્ટોને ખોટા કેસોમાં ફસાવાયા

(એજન્સી) રાયપુર,તા.૭
રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ દ્વારા છત્તીસગઢ સરકારને ૧૩ માનવઅધિકાર કાર્યકર્તાઓ, કાયદાવિદો અને શિક્ષણવિદો પ્રત્યેકને ૧-૧ લાખ રૂપિયા વળતર આપવાના આદેશ પછી એક મહિના મોડેથી વળતર મળી ગયું છે. પંચના આદેશ પછી આ કાર્યકર્તાઓએ રાજ્ય સરકારને બસ્તરના પૂર્વ આઈ.જી.એસ.આર.પી. કલ્લુરી સામે કાર્યવાહીની માંગણી કરી છે.
ચાર વર્ષ પહેલા ઓક્ટોબર ૨૦૧૬માં ૬ માનવઅધિકાર કાર્યકર્તા જેમાં દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર નંદીની સુંદર સામેલ હતી અને તેલંગાનાના ૭ કાયદાવિદોની એક સત્યશોધક ટીમ સામે આર્મ્સ એક્ટ, આઈ.પી.સી. અને યુ.એ.પી.એ.ની કલમો હેઠળ બસ્તરના સુકમામાં છતીસગઢ પોલીસ દ્વારા એફ.આઈ.આર. દાખલ કરાઈ હતી. મામલામાં સુપ્રીમ કોર્ટે પછીથી ૧૫મી નવેમ્બરે એમની ધરપકડ ઉપર રોક મૂકતા તત્કાલીન ભાજપ સરકારને આદેશ આપ્યો હતો કે આની તપાસ સીટ બનાવી કરવામાં આવે, પણ ૨૦૧૮ સુધી નવી સરકાર બનવા સુધી આ મામલાની તપાસ થઇ નહિ.
દરમિયાનમાં દિલ્હીના પડપડગંજના ડોક્ટર વિ.સુરેશની ફરિયાદ પર રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ પહોંચી ગયું. પંચે ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ કરાયેલ નિર્ણયમાં છત્તીસગઢ સરકારને માનસિક ત્રાસ અને માનવઅધિકારોના ભંગ બદલ પીડિતોને ૧-૧ લાખ રૂપિયા વળતર આપવા આદેશ કર્યો.
પંચ દ્વારા આદેશ ૧ જુલાઈ ૨૦૨૦ના રોજ જારી કરવામાં આવ્યો હતો પણ પીડિતોનું કહેવું છે કે એમને આદેશ ૫મી ઓગસ્ટે મળ્યો હતો. માનવઅધિકાર કાર્યકર્તાઓએ જણાવ્યું કે એમને એક દિવસ પહેલા સુધી આ બાબતે માહિતી ન હતી. પંચ અથવા સરકાર દ્વારા અધિકૃત રૂપે માહિતી મળી ન હતી.
માનવઅધિકાર કાર્યકર્તા નંદીની સુંદરે કહ્યું કે અમને પ્રસન્નતા એ વાતની છે કે પંચે બસ્તરના તે વખતના આઈ.જી.એસ.આર.પી. કલ્લુરી અને સ્થાનિય પોલીસ દ્વારા આદિવાસીઓની મદદ કરનારાઓને ત્રાસ આપવાની નોંધ લીધી છે. હવે કલ્લુરી સામે કાર્યવાહીની માંગણી અમે કરી છે. સુંદરે કહ્યું કે એમની અને એમના સાથીઓ સામે ભાજપ સરકાર દ્વારા ચલાવાયેલ નક્સલ વિરોધી અભિયાન સલવાજુડુમ દરમિયાન લગભગ ૫૦૦ આદિવાસીઓના ઘરો બાળવાના અને મહિલાઓ સાથે થયેલ બળાત્કારોના મામલાઓમાં મદદ કરવાના ખોટા આરોપો મૂકી કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
સુંદરે કહ્યું પોલીસે એમની સામે કેસ દાખલ કરવાની સાથે એમને પથ્થરો મારી ભગાડવાની ધમકી અને એમની નનામીઓ બાળવામાં આવી હતી, એની નોંધ પંચે લીધી હતી. એમણે કહ્યું વળતરના નાણાંનો ઉપયોગ આદિવાસીઓના કલ્યાણ માટે કરીશું.