(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧
ગુજરાત સરકાર ખોટ ખાતી એસ.ટી.ની વ્હારે ફરી એકવાર આવી છે. એસ.ટી. નિગમની બસોની વારેઘડિયે ઊઠતી ફરિયાદો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એસ.ટી.ની નવી ૧૦૦૦ બસો ખરીદીને મુસાફરોની સેવામાં મૂકવાની જાહેરાત કરી છે, જેમાં પ૦ ઈલેક્ટ્રિક બસનો પણ સમાવેશ કરવામાં આવનાર છે. ર૦ર૧ના નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ એસ.ટી. નિગમના ખાતમુહૂર્ત/ઈ-લોકાર્પણના કાર્યક્રમમમાં નાગરિકોને ભેટ આપતા ઉપર મુજબની જાહેરાત કરતાં કહ્યું કે, એસ.ટી. નિગમ નવી ૧૦૦૦ બસો ખરીદશે અને આ ૧૦૦૦ બસ આગામી જૂન મહિનાથી રાજ્યના મુસાફરોની સેવામાં કાર્યરત થઈ જશે. આ નવી ૧૦૦૦ બસ અદ્યતન ટેકનોલોજી મ્જી-૬થી સજ્જ હશે જેનાથી પર્યાવરણની પણ રક્ષા થશે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુમાં એમ પણ જાહેર કર્યું કે, નાગરિકો-મુસાફરો માટે સ્વચ્છ પર્યાવરણપ્રિય પરિવહન સેવામાં એસ.ટી. નિગમ નવી પ૦ ઈલેક્ટ્રીક બસ પણ આ વર્ષે મૂક્શે. મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા તલોદ, સિદ્ધપુર, અંકલેશ્વર, ચુડા અને દિયોદરમાં કુલ રૂા.૧ર.૮૯ કરોડના ખર્ચે નવનિર્મિત પાંચ બસ મથકો, ઊનામાં રૂા.ર.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત ડેપો વર્કશોપના ગાંધીનગરથી ઈ-લોકાર્પણ અવસરે સંબોધન કરી રહ્યા હતા. તેમણે આ લોકાર્પણ સાથોસાથ રાજ્યમાં ૧૦ સ્થળો વસઈ, કોટડાસાંગાણી, ભાણવડ, મહુવા, તુલસીશ્યામ, ધાનપુર, કેવડિયા કોલોની, સરા, કલ્યાણપુર અને ટંકારા ખાતે કુલ રૂા.૧૮.૪૧ કરોડના ખર્ચે નિર્માણ થનારા નવિન બસ મથકોની ઈ-ખાતમૂર્હત વિધિ પણ સંપન્ન કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં પાછલા બે દાયકાથી શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા તેમજ જિલ્લા કચેરીઓમાં વર્કકલ્ચર-કાર્યસંસ્કૃતિમાં ૩૬૦ ડિગ્રી ચેન્જ લાવીને સામાન્ય ગરીબ વંચિત માનવ કેન્દ્રી સેવાઓ વિકસાવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં અગાઉ બસો જર્જરિત હાલતમાં હોય, એસ.ટી. બસ મથકોની સ્થિતિ પણ ભંગાર જેવી હોય, એસ.ટી. બસના આવવા-જવાના કોઈ સમય નિર્ધારીત ન હોય તેવી પરિસ્થિતિ હતી. ‘પાછલા બે દાયકામાં આપણે સારી બસ-સારી સેવા’ના સૂત્ર સાથે આગળ વધ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, અમારા માટે એસ.ટી.એ સેવાનું સાધન છે. નફો કે લાભ લેવાની વૃત્તિનું માધ્યમ નથી. એસ.ટી સેવાઓનો હેતુ નુકસાની વેઠીને પણ રાજ્યના સામાન્ય માનવી, ગામડાના દૂર-દરાજના વ્યક્તિને સારી-સસ્તી પરિવહન સેવા આપવાનો છે. તેમણે કહ્યું કે, ગુજરાત એસ.ટી. નિગમ રોજની ૪પ હજારથી વધુ ટ્રિપના સંચાલનમાંથી ૩૦ હજાર ગામોમાં કરવામાં આવે છે અને દરેક ગામને ઓછામાં ઓછી રોજની બે ટ્રિપ મળે તેવું આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે, આ સરકારે એસ.ટી.ની સેવાઓમાં પણ સમયાનુકૂલ પરિવર્તન લાવીને પેસેન્જર સેન્ટ્રીક બનાવી છે. એસ.ટી. બસોમાં વોલ્વો, સ્લીપર કોચ, મિની બસ તેમજ ચોક્કસ સમયપત્રક મુજબ સંચાલન માટે ય્ઁજી સિસ્ટમ પણ એસ.ટી બસોમાં કાર્યરત કરી છે.
Recent Comments