(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
ભાવનગરથી ટ્રાવેલ્સમાં હીરા તથા રોકડા રૂપિયા લઈ સુરત આવતા પટેલ સોમાભાઇ રામદાસ અને પટેલ અમૃતભાઈ માધાભાઈ આંગડિયા પેઢીના કર્મચારીઓ વરાછા મીની બજાર ઉતરી બોલેરો જીપમાં બેસી મહિધરપૂરા ભવાનીવડ ખાતે જાય તે દરમિયાન તેમને ચપ્પુ બતાવી તેમજ મરચાની ભૂકી નાખી લૂંટ કરી આંગડિયા પેઢીની બોલેરો કાર લઇ રાજસ્થાન ભાગી જવાની યોજનાને અંજામ આપવા વરાછા મીની બજારમાં એકત્ર થયેલા ત્રણ રીઢા આરોપી સહિત છ યુવાનોને ક્રાઈમ બ્રાંચે સાત માસ અગાઉ મળસ્કે ઝડપી લીધા હતા. લુંટારૂ ટોળકીમાં સામેલ એક યુવાને બાડમેરના યુવાનની ખોવાયેલી બેગમાંથી મળેલો આધારકાર્ડ રજૂ કરી ઓળખ છૂપાવી હોવાનો ખુલાસો તપાસ દરમિયાન થતાં ક્રાઈમ બ્રાંચે આ અંગે અલગ ગુનો નોંધ્યા બાદ ગતરોજ લાજપોર જેલમાંથી ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ તેમજ સ્ટાફના માણસોએ ગત ૪ જુલાઈના મળસ્કે વરાછા મીની બજાર પાસે બ્રિજ નીચે એકત્ર થયેલા દિપારામ ઉર્ફે દિપક જગારામ માલી, શ્રવણકુમાર ફાવડારામ પૂરોહિત, કમલેશ પુરાજી પૂરોહિત, કમલકિશોર ઉકારામ મેઘવાળ, ખીમસિંહ મુલસિંહ રાજપૂત તેમજ ચમન વાહજીભાઈ પટેલને ત્રણ છરા, એક લોખંડનું ગણેશિયું, દોરી, સેલોટેપ, મરચાની ભૂકી, ૧૭ મોબાઇલ ફોન, એક બેગ સહિત કુલ રૂા.૨૯,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરમિયાન ક્રાઈમ બ્રાંચને પોલીસ કમિશનરને કરેલી એક અરજી મળી હતી. જેમાં લખ્યું હતું કે, ઝડપાયેલા લૂંટારૂઓ પૈકી કમલકિશોર ઉકારામ મેઘવાળે પોતાનું નામ છૂપાવી મારૂ નામ ખોટી રીતે લખાવ્યું છે. હકીકતમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના સમદડી તાલુકાના રાખી ગામમાં રહેતો ૩૦ વર્ષીય કમલકિશોર ઉકારામ મેઘવાળ છું અને મારી બેગ ખોવાઈ ગઈ હતી અને તેમાં જે આધારકાર્ડ હતો તે રજૂ કરી લૂંટારૂએ પોતાની ઓળખ છૂપાવી હતી. તેનું સાચું નામ મુકેશ પ્રતાપજી નાઈ છે. આથી ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ટી.એ.ગઢવીએ કોર્ટમાંથી મંજૂરી મેળવી લાજપોર જેલમાં જઈ પોતાની ઓળખ કમલકિશોર તરીકે આપનાર લૂંટારૂની પૂછપરછ કરતાં તેણે અરજીની હકીકત સાચી હોવાનું કબૂલી પોતાનું સાચું નામ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના શીતવાડા તાલુકાના જાબ ગામમાં રહેતો ૩૨ વર્ષીય મુકેશ પ્રતાપજી સેન હોવાનું પણ કબૂલ્યું હતું. આથી પીએસઆઈ ટી.એ.ગઢવીએ આ અંગે ગત ૩૦ ડિસેમ્બરે મુકેશ સેન વિરૂદ્ધ ન્યાયિક પ્રક્રિયાથી બચવા ખોટી ઓળખ આપી ઠગાઈ આચર્યાની તેમજ અન્યને ત્રાસ થાય તેવી હકીકત રજૂ કર્યાનો ગુનો દાખલ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે ગતરોજ તેની લાજપોર જેલમાંથી આ ગુનામાં ધરપકડ કરી હતી.