(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
ખ્વાજા ગરીબ નવાઝ (ર.અ.)ના ૮૦૬મા ઉર્ષની સોમવારે વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. ઉર્ષના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ નવાઝના દર પર ચાદર મોકલી હતી. પીએમ મોદીની ચાદર લઇ કેન્દ્રીય મંત્રી મુખ્તારઅબ્બાસ નકવી અજમેર પહોંચ્યા હતા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નકવીએ પીએમ મોદી તરફથી મોકોલાયેલી ચાદર પેશ કરી હતી અને દેશ તથા પરદેશમાં શાંતિ અને ખુશહાલીની દુઆ કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીનો વીડિયો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. કોમી સૌહાર્દ તથા કોમી સૌહાર્દના દૃષ્ટાંત ખ્વાજા ગરીબ નવાઝ (ર.અ.)ના દરે પીએમ મોદી તરફથી મોકલાયેલી ચાદર લઇ મુખ્તાર અબ્બાસ નકવી સવારે પોણા દસ વાગે દરગાહમાં પહોંચી ગયા હતા. બુલંદ દરવાજાથી લઇ મહફિલખાનાથી પસાર થતાં ચાદરને જન્નતી દરવાજાથી અંદર લઇ જવાઇ હતી.
કેન્દ્રીય મંત્રી નકવી તરફથી મઝાર શરીફમાં પીએમ મોદીની ચાદર પેશ કરવામાં આવી હતી. આશરે ૧૫ મિનિટ સુધી નકવી મઝાર શરીફમાં રોકાયા હતા. ત્યારબાદ અંજુમન કમિટી તરફથી નકવીની દસ્તારબંદી કરવામાં આવી હતી અને તબર્રુક વહેંચવામાં આવ્યું હતુું. બુલંદ દરવાજા પરથી પીએમ મોદીનો સંદેશ વાંચીને સંભળાવવામાં આવ્યો હતો. પીએમે પોતાના સંદેશમાં ગરીબ નવાઝને મહાન આદ્યાત્મિક ુપરંપરાઓના પ્રતીક ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ગરીબ નવાઝ તરફથી કરાયેલી માનવ સેવાઓ ભવિષ્યની પેઢીઓ માટે હંમેશાં પ્રેરણાદાયી રહેશે. દરગાહના ઇતિહાસમાં પહેલીવાર પીએમનો વીડિયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જોકે આ સંદેશ લેખિત સંદેશથી અલગ હતો. પાછલા દિવસોમાં ભારતમાં આવેલા જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ બિન અલ હુસૈનની હાજરીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત ઇસ્લામિક કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી દ્વારા અપાયેલા ભાષણના અંશને આજે અહીં પ્રસારિત કરવામાં આવ્યા હતા જેમાં પીએમે જણાવ્યું હતું કે, ભારતે વિશ્વને શાંતિ અને સૌહાર્દનો રાહ ચીંધ્યો છે. પીએમ મોદીએ અહીં નિઝામુદ્દીન ઔલિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉર્ષના પ્રસંગે પીએમે લોકોને શાંતિ, સદભાવ અને એકતાનો સંદેશ આપ્યો હતો. તેમણે પોતાના સંદેશમાં કહ્યું હતું કે,ભારત વિશે કહેવામાં આવે છે કે, તેને શબ્દોમાં કહી શકાય તેમ નથી પરંતુ તેને અનુભવવો જોઇએ. ખ્વાજા ગરીબ નવાઝનો પણ એજ સંદેશ હતો કે, બધા ધર્મોના લોકો એક સાથે હળી મળીને રહે.