(એજન્સી) તા.ર
કોરોના વાયરસની મહામારી વચ્ચે ગંગા દશેરાના તહેવાર નિમિત્તે બિહારના બક્સર જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોના ચિંથરે ચિંથરા ઉડતા જોવા મળ્યા હતા. કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિનિ ચૌબેના લોકસભા મતવિસ્તારમાં આવેલા બક્સર જિલ્લામાં આવેલા એક ડઝન જેટલાં ઘાટ ઉપર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સામાજિક અંતર જાળવવાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને ગંગામાં ડૂબકી લગાવીને પૂણ્ય કમાઇ લીધાનો સંતોષ માન્યો હતો, પરંતુ અજાણતા જ તેઓ કોરોના વાયરસને પણ ઘરે લઇ ગયા હશે એવી શક્યતાને નકારી શકાય નહીં.
ગંગા સ્નાન કરવા જુદા જુદા ઘાટ ઉપર એકઠાં થયેલા લોકો પૈકી કોઇની પાસે પણ મોંઢા ઉપર માસ્ક પહેરેલું જણાતું નહોતું અને હાલ સમગ્ર દેશમાં જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત બાનાવાયું છે. સ્થાનિક લોકોએ ધ પ્રિન્ટ વેબસાઇટને કહ્યું હતું કે રામરેખા ઘાટ ઉપર સૌથી મોટી મેદની એકઠી થઇ હતી.
ઉલ્લેખનીય છે કે લોકડાઉનના પગલે છેલ્લા બે-અઢી મહિનાથી ધાર્મિક સ્થાનો બંધ હોવાથી લોકો પોત-પોતાની આસ્થાના ધાર્મિક સ્થાનોની મુલાકાત લઇ શક્યા નથી, તેથી લોકડાઉનમાં જેવી વધુ છૂટછાટ આપી કે તરત જ લોકો ગંગા દશેરાના તહેવારની ઉજવણી માટે ગંગાના ઘાટ ઉપર ઉમટી પડ્યા હતા એમ લોકડાઉન દરમ્યાન બક્સરમાં સંખ્યાબંધ લોકોને મદદ કરનાર રામજી નામના એક સામાજિક કાર્યકરે કહ્યું હતું. હિન્દુ પૂરાણો અનુસાર ગંગા દશેરાના દિવસે ગંગા નદી સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ઉતરી આવી હતી, તેથી આ દિવસે ગંગામાં સ્નાન કરવાનું અનેકગણુ ધાર્મિક મહાત્મય હોવાનું કહેવાય છે.
સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના છડેચોક થયેલા ઉલ્લંઘન બાબતે રામજીએ કહ્યું હતું કે લોકોએ સમજવું જોઇએ કે કોરોના વાઇરસની મહામારીનો હજુ અંત આવ્યો નથી, તે ઉપરાંત જેટલી મોટી સંખ્યામાં મેદની એકઠી થશે એટલું જ આ વાયરસનો ચેપ લાગવાનું જોખમ વધશે.
સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ઉલ્લંઘન બાબતે બક્સર જિલ્લાના કલેક્ટર અમન સમીરે કહ્યું હતું કે ગૃ મંત્રાલયની ગાઇડલાઇન્સ અનુસાર દેશના તમામ ધાર્મિક સ્થાનો ૮ જૂનથી ખુલ્લા મૂકાવાના છે પરંતુ એમ લાગે છે કે આ ગાઇડલાઇન્સ સમજવામાં પ્રજાની કોઇ ભૂલ થતી હશે અને તેથી જ તેઓ હજારોની સંખ્યામાં ગંગા સ્નાન માટે ઉમટી પડ્યા હતા.
ગંગા દશેરાએ બિહારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ચિંથરાં ઊડ્યા

Recent Comments