(રિયાઝખાન)
અમદાવાદ, તા.ર૩
હાલ સમગ્ર દેશ કોરોનાને હરાવવા મેદાને પડ્યું છે. લોકો લોકડાઉનમાં રહીને પણ અનેક જરૂરમતમંદોની મદદ પણ કરી રહ્યા છે. આવા સમયમાં કેટલાક એવા લોકો પણ છે જે સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરી હિન્દુ-મુસ્લિમના નામે કોમી વૈમનસ્ય ફેલાવાનું કામ કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયાના સદઉપયોગનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કોમી એકતા અને માનવતાની મહેક પ્રસરાવી જાય છે. ગાંધીનગરના હિન્દુ યુવકના મિત્ર મંડળે એચયુએસ જેવા ગંભીર રોગથી પીડાતા વડોદરાના ૧ર વર્ષીય મુસ્લિમ બાળક માટે માત્ર બે કલાકમાં જ ૧૦ હજાર રૂપિયાની મદદ એકઠી કરી તાબડતોબ દવાની વ્યવસ્થા થાય તે માટે બાળકના પિતાને રૂપિયા પહોંચાડી માનવ સંબંધોની ઉમદા મિશાલ કાયમ કરી છે. વડોદરાના તાંદલજામાં રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા યાકુબભાઈ મુલતાનીનો ૧ર વર્ષીય દિકરો ફરદીન એચયુએસ (હિમોબાયટીક યુરેનિક સિન્ડ્રોમ) નામની બીમારીનો સામનો કરી રહ્યો છે. આ માટે તેને દર મહિને સાતથી આઠ હજાર રૂપિયાની દવાની જરરૂ પડે છે જે વિશેષ કાર્ડ દ્વારા દર મહિને યાકુબભાઈને અમદાવાદ સિવિલમાંથી મફત મળી જાય છે. જો કે, કોરોનાના કારણે લોકડાઉન હોવાથી યાકુબભાઈ વડોદરાથી દવા લેવા આવી શકે તેમ ન હતું. વળી રિક્ષા બંધ હોવાથી આર્થિક સ્થિતિ પણ સારી ન હતી આથી આ અંગેની જાણ તેમણે ગાંધીનગર સ્થિત અને ભૂતકાળમાં મદદરૂપ થનાર વ્યોમ અમીન નામના યુવકને કરી. યાકુબભાઈની વાત સાંભળી વ્યોમ અમીને તરત જ ફરદીનની મદદ અંગેનો મેસેજ પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં મૂકયો અને માત્ર બે જ કલાકમાં અનેક લોકો મદદ માટે દોડી આવ્યા. દરેકે પોતાની યથાશક્તિ મદદ આપી ૧૦ હજાર જેટલી રકમ યાકુબભાઈના બેંક ખાતામાં જમા કરાવી દીધી. આ બાબત જ બતાવે છે કે હજુ માનવતા મરી પરવારી નથી. મદદ કરતી વખતે દરેકે એ જ જોયું કે, ફરદીનને મદદની તાતી જરૂર છે. એ મુસલમાન છે એ ન જોયું. આ બાબત જ માણસને સાચો માનવ બનાવે છે. વ્યોમ અમીન અને તેના મિત્રમંડળનો આભાર વ્યક્ત કરતાં યાકુબભાઈએ જણાવ્યું કે, આવા લોકો છે ત્યાં સુધી કોમી એકતા તોડવાના પ્રયાસો કરનારા માનવ સમાજનું કંઈ બગાડી નહીં શકે. ખરેખર મુસીબતના સમયમાં માણસ જ માણસના કામમાં આવે છે. જ્યારે વ્યોમ અમીને આ મદદને માણસ માત્રની ફરજનો એક ભાગ ગણાવ્યો હતો. આમ આજના આધુનિક સમયમાં જ્યાં માણસ અનેક રીતે કોમ, ધર્મ, જ્ઞાતિ કે જાતિના નામે માણસનો દુશ્મન બની રહ્યો છે ત્યારે વ્યોમ અમીન અને તેના મિત્રમંડળની મદદનો આ કિસ્સો અનેક લોકોની આંખ ઉઘાડશે.

માનવતાની મિસાલ કાયમ કરનાર મહારથી

વ્યોમ અમીન, આલોક અમીન, કેવલ ઠક્કર, પૃથક ઠક્કર, મેહુલ ભોજક, કાજલ વૈષ્ણવ, કીર્તિ ભટ્ટર, રીમા શાહ, હર્ષ પ્રજાપતિ, પાયલ પરમાર, મેહુલ પટેલ, પ્રિયમ પટેલ, આશિષ દવે, મેહુલસિંહ વાઘેલા, રોનક પટેલ, નિરાલી પટેલ, રૂતુલ ઉપાધ્યાય, મનન પટેલ, સિંધુ ચૌધરી, જીતેશ પારેખ, પ્રસેન ગાંધી, મૌની મોદી, રાહુલ સુખડિયા, પૂર્વાંગ દેસાઈ, પિનાક ઠક્કર, વિરાજ અમીન, નિયતી અમીન.