(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૩
ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરાની સામે શિક્ષિકાએ છેડતીની ફરિયાદ નોંધાવ્યા બાદ આ શિક્ષિકાની સામે ગજેરા ગ્લોબલ સ્કૂલના આચાર્ય શ્વેતાબેન પરિહારે પણ ખંડણીની ફરિયાદ નોંધાવતાં, શિક્ષિકાએ ટ્રસ્ટી સામે આઇપીસીની કલમ ૩૭૬નો ઉમેરો કરવાની અરજી પોતાના વકીલ ઝમીર શેખ મારફત પોલીસ કમિશ્નર અને અન્યોને કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાલ સ્થિત ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા સામે આજ શાળા ફરજ બજાવી ચુકેલી શિક્ષિકાએ સેકસ્યુઅલ હરેસમેન્ટની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ આ શાળાના આચાર્ય શ્વેતાબેન સંજયભાઈ પરિહારે આરોપી શિક્ષિકા સામે રુા.૧૧ લાખની ખંડણી વસુલવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, શિક્ષિકા દક્ષાબેનની વિરૂદ્ધમાં વિદ્યાર્થી તથા વાલીની ફરિયાદો આવ્યા બાદ તેમના વર્તમાનમાં સુધારો નહીં આવતા શિક્ષિકાબેને રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ખોટી રીતે નાણાં કઢાવવા માટે શિક્ષિકાએ મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ટ્રસ્ટી પાસેથી રૂા.૧૧ લાખ કઢાવી લીધા હતા. તેમ છતાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી વધુ રૂપિયા પાંચ લાખની માંગણી કરી ફરિયાદી તથા મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓને શારીરિક ઈજા પહોંચાડવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ આજે આ શિક્ષિકાએ પોતાના વકીલ ઝમીર શેખ મારફત શહેર પોલીસ કમિશનરને એક લેખિત અરજી કરી તેણીની ફરિયાદમાં આઇપીસીની કલમ ૩૭૬નો ઉમેરો કરવા માટે રજૂઆત કરી હતી.