(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના ૬૯મા ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ ભારતીયોને શુભકામના આપી હતી. તેમના અભિવાદનમાં તેમણે ન્યાય, અઝાદી, સમાનતા જેવા બંધારણે આપેલા હક્કો યાદ અપાવ્યા હતા. તેમનો આ સંદેશ ગુરગાંવમાં સ્કૂલ બસ પર કરણી સેના સાથે સંકળાયેલા આતંકવાદી તત્વોના હુમલા બાદ આવ્યો છે. આ જ પ્રકારના હુમલાઓ ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ બનવા પામ્યા હતા જેમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ૬૯મા ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ જ્યારે આપણે આપણા પ્રિયદેશની ઉજવણીકરી રહ્યા છીએ તમામ નાગરિકો માટે બંધારણે આપેલા હક્કો જેવા કે, ન્યાય, આઝાદી,સમાનતા અને ભાઇચારાને યાદ રાખવું જોઇએ. આપણા યુવા દેશના ઇતિહાસમાં આપણે પહેલા ક્યારેય ન બન્યુ એ રીતે કર્તવ્યની રક્ષા કરવી પડશે. રાહુલે કહ્યું કે, તમામને ન્યાય મળે તે માટે બંધારણે હક આપેલા છે તેથી ભારતનો કાયદો કચડાયેલા વર્ગો, દબાયેલા લોકો અને ગરીબમાં ગરીબ લોકોને ન્યાય આપે છે. તેમણે કોઇપણ ડર વિના શાબ્દિક કે શારીરિક રીતે વિરોધ પ્રદર્શિત કરવા માટેની આઝાદીનો ઉલ્લેખ કર્યો હતો. આપણે એવા લોકતંત્રના નાગરિકો છીએ જે ધર્મ, સંસ્કૃતિ, વિચારો અને અભિવ્યક્તિના આધારે બનેલો છે. સમાનતાની તક અંગે પણ તેમણે કહ્યું કે, તેમાં આર્થિક દરજ્જો, જાતિવાદી, ધાર્મિક તથા જાતિય ભેદભાવ ન હોવા જોઇએ. આ ઉપરાંત તેમણે દરેક ભારતીય વચ્ચે સમાનરીતે ભાઇચારાની વાત કરી હતી. આપણે એવા સુંદર દેશ સાથે નાતો ધરાવીએ છીએ જ્યાં કોઇના ભૂતકાળ દેખાતા નથી. તેમણે ગણતંત્ર દિને બંધારણ બચાવવા અપીલ કરી હતી. અંતે તેમણે દરેક દેશવાસીને ગણતંત્ર દિનની શુભેચ્છા પાઠવી હતી.