(એજન્સી) નવી દિલ્હી, તા.૨
ભાજપના રાજ્ય સભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને વિનંતી કરી છે કે ભારતીય સેનાના ૧૫૦ જવાનો કોવિડ-૧૯ પોઝિટિવ જણાયા છે એ માટે આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ રદ્દ કરવામાં આવે.
સ્વામીએ ટ્‌વીટ કરી લખ્યું હતું કે, ‘‘મીડિયા અહેવાલો મુજબ ભારતીય સેનાના ૧૫૦ જવાનો ગણતંત્ર દિવસની પરેડના રિહર્સલ દરમિયાન કોરોના પોઝિટિવ જણાવ્યા હતા અને એવા જ બીજા પણ દુઃખદ સમાચારો આવેલ છે, એ માટે હું વડાપ્રધાનને વિનંતી કરૂં છું કે આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ રદ્દ કરવામાં આવે. એના લીધે યુ.કે.ના વડાપ્રધાનને પણ રાહત થશે જેઓ બ્રેક્ઝિટની વચ્ચે લંડન છોડવાથી મુક્તિ મેળવશે. ભારતે યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સનને ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપવા માટે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે. જો કે બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન બહાર આવતા એ સ્પષ્ટ પણ નથી કે જોન્સન આવશે કે કેમ ? સ્વામીની પરેડ રદ્દ કરવાની વિનંતી ભારતીય નેવીના વાઈસ એડમિરલ શ્રીકાંતના કોવિડમાં સપડાયા પછી અને એમના મૃત્યુને લઈને પણ કરાઈ છે.