૨૦૦ તોફાની દેખાવકારોની અટકાયત, હિંસા મુદ્દે પોલીસે અત્યાર સુધી ૨૨ એફઆઇઆર દાખલ કરી, હિંસાના પગલે દિલ્હીમાં ૬૦ મેટ્રો સ્ટેશન, ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવી પડી, પોલીસે એફઆઇઆરમાં જેમાં રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ સહિતના છ કિસાન નેતાઓ સામે ટ્રેક્ટર રેલીની શરતો તોડવાની ફરિયાદ દાખલ કરી, ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે
દિલ્હીમાં ખેડૂતો-પોલીસ વચ્ચે હિંસા, તોફાનો, તોડફોડ, પોલીસ ઉપર હુમલા, લાલ કિલ્લાના સ્તંભ પર પોતાનો ઝંડો ફરકાવ્યો, હિંસામાં કુલ ૩૦૦ પોલીસ જવાન ઘાયલ
પોલીસકર્મી અને જવાનોએ ૧૫ ફૂટ ઊંચી દીવાલ પરથી જીવ બચાવવા કૂદકા માર્યા, તોફાની તત્વોએ લાલ કિલ્લામાં તોડફોડ કરી, હાથમાં લાઠી, દંડા, તલવારો અને પથ્થરો સાથે ઉત્પાત મચાવ્યો, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઉપદ્રવીઓને પકડવા ક્વાયત હાથ ધરાઇ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ગણતંત્ર દિવસની ટ્રેકટર પરેડ દરમિયાન અચાનક કિસાનોની રેલી હિંસક બની હતી અને જોતજોતમાં જ સમગ્ર દિલ્હીમાં પોલીસ અને કિસાન દેખાવકારો વચ્ચે અથડામણના અહેવાલો આવવા લાગ્યા હતા. આની વચ્ચે જ કિસાનો લાલ કિલ્લા તરફ પ્રયાણ દરમિયાન બેરિકેડ તોડી, ટીયરગેસ અને પોલીસની લાઠીઓનો સામનો કરીને ઐતિહાસિક લાલ કિલ્લા સુધી પહોંચ્યા હતા અને તેની પ્રાચીર પર કિસાન યુનિયન તથા ધાર્મિક ઝંડા લગાવી દીધા હતા. ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પર ચડીને હજારો કિસાનોના રૂપમાં આવેલા તોફાની તત્વોએ ત્રણ કાયદાઓના વિરોધમાં અન્ય ઝંડા લગાવી દીધા હતા. પોલીસ સાથે અથડામણ દરમિયાન દેખાવકારોએ લાલ કિલ્લા પર ઘણીવાર સુધી કબજો જમાવી રાખ્યો હતો. અથડામણોમાં ૩૦૦થી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા જ્યારે ૨૦૦થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં ૨૨ ફરિયાદ દાખલ કરી હોવાનું જણાવ્યું છે. એક ખેડૂત પ્રદર્શનકારીનું હિંસા દરમિયાન મોત થયું હતું. આ પહેલા સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડરો પરથી કિસાન ટ્રેકટર પરેડે દિલ્હીમાં પ્રવેશ કર્યો હતો ત્યારે લોકોએ તેમને પુષ્પ વર્ષા કરીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હજારોની સંખ્યામાં સરહદોની અંદર આવેલા ટ્રેકટરોએ નિર્ધારિત રૂટ કરતાં વિપરિત દિશામાં વાહનો દોડાવ્યા હતા અને પોલીસ બેરિકેડ તોડીને અન્ય વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. કિસાનોના હિંસક પ્રદર્શનને જોતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ, ટીયરગેસના શેલ તથા કેટલાક સ્થાનોએ ગોળીબારની ફરજ પડી હતી. કેટલાકસ્થળોએ પ્રદર્શનકારીઓએ પોલીસને માર મારી દોડાવ્યા હોવાના પણ કિસ્સા બન્યા હતા.
કૃષિ કાયદાઓના વિરોધમાં ૨૬ જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા અંગે પોલીસ સતત એક્શનમાં છે. હિંસા અને તોડફોડની ઘટનાઓ અંગે અત્યારસુધીમાં ૨૨ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે લૂંટ અને જીવલેણ હુમલાની કલમો અંતર્ગત કેસ નોંધાયા છે. આ મામલે હવે દિલ્હી ક્રાઈમ બ્રાંચ તપાસ કરશે. પોલીસની ફરિયાદમાં ૬ ખેડૂતનેતાનાં નામ પણ છે. આ નેતા રાકેશ ટિકૈત, દર્શન પાલ, રાજિંદર સિંહ, બલવીર સિંહ રાજેવાલ, બૂટા સિંહ બુર્જગિલ અને જોગિંદર સિંહ છે. તેમની વિરુદ્ધ ટ્રેક્ટર રેલીની શરતો તોડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે હિંસા કરવાનો સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો અને પોલીસ કર્મીઓ પર હુમલા કરવા અંતર્ગત ૨૨એફઆઇઆર દાખલ કરી છે. પોલીસવાળાઓ પર ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયાસ, બસો અને ગાડીઓમાં તોડફોડ, પથ્થરમારા બાદ કેટલાક ઉપદ્રવીઓએ લાલ કિલ્લા પર પોતાનો ઝંડો લગાવી દીધો. લાલ કિલ્લાની પાસે અનેક પોલીસવાળાઓએ દીવાલ કૂદીને પોતાનો જીવ બચાવ્યો. દિલ્હી પોલીસ હવે ઠેક-ઠેકાણે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે પ્રદર્શનકારીઓની ઓળખ કરવા મથી રહી છે. લાલ કિલ્લા, નાંગલોઈ, મુકરબા ચોક, સેન્ટ્રલ દિલ્હીમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા માટે સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, નક્કી કરાયેલા માર્ગો પર ટ્રેક્ટર રેલી માટે પરમિશન આપવામાં આવી હતી. પરંતુ સમય પહેલાં જ શરૂ થયેલી રેલીએ બેરિકેડ્સ તોડી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેઓ મધ્ય દિલ્હીના આઇટીઓ પહોંચી ગયા હતા. જે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન દિલ્હી પોલીસે સિંધુ બોર્ડર પાસે જ્યાં ખેડૂતોનો જમાવડો છે ત્યાં સુરક્ષા વધારી છે.આ બોર્ડર પર ખડકવામાં આવેલા વાહનોને હટાવવામાં આવીર રહ્યા છે જ્યાં જ્યાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે તે તમામ સ્થળોએ પોલીસે સુરક્ષા વધારી છે. ગણતંત્ર દિવસ પર સમગ્ર દેશે જ નહિ પરંતુ વિશ્વએ દિલ્હીના માર્ગો પર જે ઉપદ્રવ નિહાળ્યો તેઓ અગાઉ કદી નિહાળ્યો ન હતો. આ બેલગામ તોફાની તત્વોએ સમગ્ર દેશને શરમજનક સ્થિતિમાં મુકી દીધો હતો. હજારો ખેડૂતોએ ઠેરઠેર તોફાનો અને ઉપદ્રવ મચાવ્યો હતો. પોલીસ, પોલીસના વાહન ઉપર ઠેર ઠેર હુમલા થયા હતા. પોલીસે અનેક સ્થળે અશ્રુવાયુના સેલ પણ છોડયા હતા. દિલ્હીના ૬૦ જેટલા મેટ્રો સ્ટેશનોને બંધ કરવા પડયા એટલું જ અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યા હતા.
Recent Comments