(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૦
શહેર નજીક દુમાદ પાસે વાહન ચેકિંગ દરમ્યાન ગણપતપુરા ગામના બુટલેગર મફત પાટણવાડીયા (ઠાકોર) સહિતનાં ૫૦થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો કરી પાઇપ અને લાકડીઓ વડે પોલીસ પર હુમલો કરવાના બનવામાં ત્રણ પોલીસ કર્મચારીને ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ બનાવને પગલે હત્યાની કોશીષ, રાયોટીંગ સહિતના ગુનાઓ નોંધી ૨૩ની અટકાયત કરી હોવાની માહિતી મળી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર ગુરૂવારેની રાત્રે દુમાડ નજીક તંબુ ચોકી પાસે તાલુકા પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી દરમ્યાન ગણપતપુરા ગામના બુટલેગર મફત ઠાકોરનાં પુત્રની બાઇક રોકી કાગળોની માંગણી કરતાં મામલો બિચકયો હતો. જોતજોતામાં ગણપતપુરા ગામના લોકોનું ટોળુ સ્થળ પર મારક હથિયારો સાથે આવ્યું હતું. ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. તદ્દુપરાંત પથ્થરમારો કરતાં આ બનાવમાં પી.એસ.આઇ.બી.ડી. જાડેજા, હે.કો. અરવિંદભાઇ અને પો.કો. અશ્વિનભાઇ સહિત સાત પોલીસ કર્મીઓને ઇજા પહોંચી હતી. ઉગ્ર બનેલા ટોળાએ પી.એસ.આઇ. જાડેજાની સર્વિસ રીવોલ્વરની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાએ કરેલા હુમલામાં પો.સ.ઇ.એ પોતાની સર્વિસ રીવોલ્વરમાંથી પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ટોળા એ પોલીસનાં વાહનોની તોડફોડ કરી હતી. હુમલામાં પી.એસ.આઇ. સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી. જ્યાં તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. ઘટનાને પગલે જિલ્લા એસ.પી. સૌરભ તોલબીયા સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તાલુકા પોલીસે ૫૦ થી ૭૦ ના ટોળા વિરૂધ્ધ હત્યાની કોશીષ, રાયોટીંગ, લૂંટનો પ્રયાસ, સરકારી પ્રોપર્ટીને નુકશાન સહિતના ગુનાઓ નોંધી ૨૩ જેટલા વ્યકિતઓની અટકાયત કરી છે.