(એજન્સી) તા.૧૭
બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ગુરૂવારે પ્રવાસી મજૂરો અને લૉકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકોને અપીલ કરી હતી કે, તેઓ જ્યાં છે ત્યાં જ રહે. તેમણે સરકાર વતી આશ્વાસન આપ્યું હતું કે, તેઓ તેમના સુરક્ષિત પાછા ફરવા માટે બીજા રાજ્યોની સરકાર સાથે સંપર્કમાં છે અને તેમના માટે વ્યવસ્થા કરી રહ્યા છે. જો કે, તેમણે કહ્યું કે, જ્યાં સુધી લૉકડાઉન કે પ્રતિબંધો ઊઠાવી નહીં લેવાય ત્યાં સુધી તેમના પાછા ફરવાના કોઈ ચાન્સ જ નથી. એક વીડિયો મેસેજ જાહેર કરતાં ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, તાજેતરમાં લૉકડાઉન ૨ની જાહેરાત થયા પછી મુંબઈ અને સુરત તથા દિલ્હીમાં જે પ્રકારની ઘટનાઓ બની તે દુર્ભાગ્યપૂર્ણ છે. ઘરે પાછા ફરવા માટે ટ્રેન વ્યવસ્થા શરૂ થઈ રહી છે તેવી અફવાઓને કારણે જ આવી ઘટનાઓ બની હતી.
હું તમને વિશ્વાસ અપાવું છું કે, અમે તમને પાછા લાવવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવાના પ્રયાસો કરી રહ્યાં છીએ. જો કે, ડેપ્યુટી સીએમની આ ટિપ્પણી પણ વિપક્ષના નેતાઓ રાબડી દેવીએ નીતિશકુમાર સરકારની હાંસી ઉડાડી હતી. તેમણે કહ્યું હતું કે, બિહાર સરકાર પ્રવાસી મજૂરોને પાછા લાવવાની વ્યવસ્થા કરવામાં પણ નિષ્ફળ રહી છે. રાબડી દેવીએ આ દરમિયાન આંધ્રપ્રદેશની સરકારનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું જેમણે તાજેતરમાં શ્રદ્ધાળુઓને વારાણસીથી પાછા લાવવા માટે વ્યવસ્થા કરી આપી હતી. આ દરમિયાન ડેપ્યુટી સીએમ મોદીએ કહ્યું હતું કે, અમે તમામ લોકોને પાછા લાવવા પૂરતાં પ્રયાસો કરી રહ્યા છીએ. તમને વિનંતી છે કે, સરકાર સાથે સહયોગ કરો. પોતાની જાતને સુરક્ષિત રાખો હાલમાં તમામ ટ્રેન સેવાઓ અને બસ સેવાઓ સહિત ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા બંધ હોવાથી તમને પાછા લાવવા માટે લૉકડાઉન પતી જવા સુધીની રાહતો જોવી જ પડશે.