(એજન્સી) ગુવાહાટી, તા.૧૫
આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ની અંતિમ યાદી ૨૦૧૯માંથી જે લોકોને બહાર રખાયા છે તેવા ૧૯ લાખ અરજદારોની સ્થિતિ એક વર્ષ પસાર થયા બાદ પણ હજુ અદ્ધરતાલ છે ત્યારે આસામ એનઆરસીના સંયોજક હિતેશ દેવ શર્માએ અધિકારીઓને નિર્દેશ જારી કરીને અયોગ્ય લોકો અને તેમના વંશજોના આશરે ૧૦,૦૦૦ નામો રદ્દ કરવા જણાવ્યું છે. હિતેશ દેવ શર્માએ મંગળવારે તમામ નાયબ કમિશનરો અને નાગરિક નોંધણીના જિલ્લા નોંધણીકારો એટલે કે, ડીઆરસીઆરને લખેલા પત્રમાં તેમને આ પ્રકારના નામો હટાવવાનો આદેશ જારી કર્યો છે. અહેવાલો અનુસાર શર્માએ કહ્યું છે કે, વેબફોર્મના માધ્યમથી તમારી તરફથી મળેલા રિપોર્ટ અનુસાર જાહેર કરેલા વિદેશી, ડી વોટર્સ અને ફોરેન ટ્રિબ્યૂનલમાં પેન્ડીંગ શ્રેણીઓના અપાત્ર લોકો અને તેમના વંશજોના કેટલાક નામો એનઆરસીમાં જોવા મળ્યા છે. તેમણે જિલ્લાના અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, નાગરિકતા (નાગરિક નોંધણી તથા રાષ્ટ્રીય ઓળખ કાર્ડ જારી કરવું) નિયમ ૨૦૦૩ અંતર્ગત કલમ ૪(૬) અનુસાર વિશેષ રીતે લોકોની ઓળખ કર્યા બાદ નામ હટાવવાનો આદેશ જારી કરાયો છે. નિયમો તથા અન્ય સંબંધિત જોગવાઈઓની વ્યાખ્યા કરતા શર્માએ કહ્યું કે, સંબંધિત અધિકારી અંતિમ એનઆરસીના પ્રકાશન પહેલાં કોઈપણ સમયે કોઈપણ નામની ખરાઈ કરી શકે છે અને તેને સામેલ કરી શકે છે અથવા હટાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષે ૩૧મી ઓગસ્ટે અંતિમ એનઆરસી જાહેર કરવામાં આવી હતી જેમાં કુલ ૧૯,૦૬,૬૫૭ લોકોના નામ એનઆરસીમાંથી હટાવાયા હતા. અંતિમ એનઆરસીના પ્રકાશન બાદ અનેક પક્ષો અને રાજકીય દળોએ તેને દોષપૂર્ણ દસ્તાવેજ ગણાવતા તેની ભારે ટીકા કરી હતી. તેમણે આમાંથી મૂળ નિવાસીઓને હટાવવા તથા ગેરકાયદે પ્રવાસીઓને સામેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. આસામના સંસદીય કાર્યમંત્રી ચંદ્રમોહન પટવારીએ આ વર્ષે ૩૧ ઓગસ્ટે વિધાનસભામાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે બાંગ્લાદેશની સરહદથી લાગેલા જિલ્લામાં ૨૦ ટકા નામો અને બાકી ભાગોમાં ૧૦ ટકા નામોની ખરાઈ માટે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે.