અમદાવાદ, તા.૨૬
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. ગરમીના પ્રમાણમાં વધારો થતાં પાણીજન્ય રોગોના કેસમાં વધારો થઇ રહ્યો છે. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૨૪ દિવસના ગાળામાં જ માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૫૬૦, કમળાના ૧૪૨, ટાઇફોઇડના ૨૨૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. જ્યારે માર્ચ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૬ કેસ નોંધાયા હતા. આ મહિનામાં હજુ પાંચ દિવસ બાકી હોવાથી આંકડો ગયા વર્ષ કરતા વધવાની પણ દહેશત દેખાઈ રહી છે. જ્યારે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો માર્ચ મહિનાના ૨૪ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૭૯ કેસ આ મહિનામાં સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના છ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૧૬ મામલા સપાટી ઉપર આવ્યા છે. માર્ચ ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૬૭૨૫૮ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં ૨૪મી માર્ચ સુધીમાં ૬૦૭૬૧ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં માર્ચ ૨૦૧૭માં ૧૮૧૬ સીરમ લેવામાં આવ્યા હતા જેની સામે આ વર્ષે ૨૪મી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૯૪૬ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પરિણામને લઇને ચર્ચા છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. આમ આ મોસમમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા વધવી જોઈએ એના બદલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસો વધવા પામતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થવા પામી છે. ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી. આ વખતે પણ સ્થિતિ આવી જ રહે તેવી શક્યતા છે. વર્ષ ૨૦૧૭માં હેલ્થ ફ્લાઇંગ સ્કોવોર્ડ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૧૭૪૯ અલગ અલગ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં ૧૨૩ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૯ અપ્રમાણિત જાહેર થયા હતા જ્યારે ૧૦૦ નમૂના પ્રમાણિત જાહેર થયા છે. ૧૪ નમૂના તપાસવાના બાકી છે. જ્યારે ૨૪મી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૧૨૫ અલગ અલગ નમૂના લેવામાં આવ્યા છે.

રોગચાળાનું ચિત્ર

અમદાવાદ, તા.૨૬
અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.
મચ્છરજન્ય કેસો
વિગત માર્ચ ૨૦૧૭ માર્ચ૨૦૧૮
સાદા મેલેરીયાના કેસો ૨૭૯ ૭૯
ઝેરી મેલેરીયાના કેસો ૧૯ ૦૬
ડેન્ગ્યુના કેસો ૨૧ ૧૬
ચીકુનગુનિયા કેસો ૦૯ ૦૦
પાણીજન્ય કેસો
ઝાડા ઉલ્ટીના કેસો ૬૧૬ ૫૬૦
કમળો ૧૪૮ ૧૪૨
ટાઈફોઈડ ૨૧૮ ૨૨
કોલેરા ૦૯ ૦૦