(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
દેશમા સતત વધી રહેલા કોરોનાના કેસ અને લોકડાઉન વચ્ચે કોંગ્રેસે કહ્યું કે, ભાજપ સરકાર લોકડાઉનથી પીડીત લોકોને કોઈ રાહત આપવાની બાબત પર ધ્યાન નથી આપી રહી. જેના પગલે પાર્ટીએ આજે જનતાની અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ‘સ્પીક અપ ઇન્ડિયા’ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ૫૦ લાખથી વધારે કોંગ્રેસના કાર્યકર્તા ભાગ લેશે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા અજય માકને કહ્યું કે કોંગ્રેસ આ અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકર્તા સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્ર સુધી પોતાની વાત પહોંચાડશે અને જનતાનો અવાજ સાંભળવા માટે લોકોને આગ્રહ કરશે. આ અભિયાન ગુરુવારે ૨૮ મેના રોજ ૧૧ વાગે શરુ થશે અને બે વાગે સુધી સોશિયલ મીડિયા પર ચાલશે.તેમણે કહ્યું કે આ જનતાની અવાજ છે અને અભિયાન મારફતે સરકારને આગ્રહ કરવામા આવશે કે પ્રવાસી મજૂરોને સન્માન સાથે તેમના ગામ પહોચાડવા આવે. સરકારને અનુરોધ કરવામા આવશે તે ગરીબ પરિવારને તાત્કાલિક ૧૦ હજાર રૂપિયાની સહાય કરે. આ ઉપરાંત લોકોને દર મહીને ૭૫૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામા પણ આવે. અજય માકને કહ્યું કે આ અભિયાન લોકોને પોતાનો અવાજ ઉઠાવવામા મદદ કરશે અને જો સરકાર ગરીબોને મદદ કરશે તો તેનાથી નાના મોટા વેપારીઓને કારોબાર ચલાવવામા રાહત મળશે. તેમણે કહ્યું કે મનરેગા જેવી યોજના ૨૦૦ દિવસ સુધી વધારવી જોઈએ જેના લીધે ગામના ગરીબોને રાહત મળી શકે. કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ રોહન ગુપ્તાએ આ અવસરે સ્પીક અપ ઇન્ડિયા નો લોગો અને તેનો એક વિડીયો પણ લોન્ચ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્પીક અપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સોશિયલ મીડિયા ફેસબુક, ટ્‌વીટર, વોટ્‌સએપ સહિતના પ્લેટફોર્મ પર લોકો પોતાનો અવાજ ઉઠાવે.