(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
કોરોના વાયરસની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું, જેને પગલે આ લોકડાઉનનો સૌથી વધુ ભોગ સ્થળાંતરીત મજૂરો બન્યા હતા. મજૂરોએ અનેક પીડા સહન કરીને પોતાના વતન જવું પડ્યું હતું. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ શહેરમાં એમ જ નથી આવતો, ગરીબી અને બેરોજગારી તેને શહેરમાં આવવા મજબૂર કરે છે. દુઃખ અને ભયને કારણે મજૂરો પરત ચાલતા જવા માટે મજબુર થયા. સરકારે મજૂરો માટે બધી જ વ્યવસ્થા કરી છે પણ તેમનામાં એક સકારાત્મક્તા જગાવવી જરૂરી છે. અનેક રાજ્યોમાં મજૂરો પગપાળા ચાલીને ગામડે જઈ રહ્યા છે, અનેકનાાં મોત નીપજ્યા છે. આ સ્થિતિ વચ્ચે નીતિન ગડકરીએ કહ્યું હતું કે, આ ગંભીર સ્થિતિનું કારણ લોકોમાં રહેલો ભય છે જેને દૂર કરવો જરૂરી છે. આ સાથે જ નીતિન ગડકરીએ કહ્યું હતું કે, એવા વિસ્તારો કે જ્યાં વિકાસ નથી થયો ત્યાં વિકાસ પહોંચાડવો પડશે, ગરીબી અને બેરોજગારીને કારણે લોકો શહેરોમાં આવે છે. મજૂરોને એ સમજાવવું પડશે કે હવે ટૂંક સમયમાં ઉદ્યોગો પાછા શરૂ થશે, તેમ છતાં જો મજૂરો ઘરે જવા માંગતા હોય તો રાજ્ય અને કેન્દ્ર સરકાર અને સમાજે મળી તેની વ્યવસ્થા કરવી જોઈએ.