(એજન્સી) નવી દિલ્હી , તા.૧૬
લોકડાઉનમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગરીબ અને મધ્યમ વર્ગની સમસ્યાઓના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે મુશ્કેલીના આ સમયમાં મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને સીધા પૈસા આપવાની જરૂર છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગ, ગરીબો મૂડીવાદીઓને ભેટ માટે ચૂકવણી કરે છે. દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવોએ નાગરિકોની કમર તોડી નાંખી છે. જેથી ગરીબોની દુર્દશામાંથી નફાખોરી અટકાવો.આ સાથે રાહુલ ગાંધીએ ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોના હાથમાં રૂપિયા આપવા પણ કહ્યુ હતું.કોરોના વાયરસના કારણે આર્થિક સંકટમાં મૂકાયેલા લોકો માટે આ ભાવ વધારો પડયા પર પાટા જેવો છે ત્યારે રાહુલ ગાંધીએ ઈંધણની કિંમતો વધવા સામે અવાજ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગ અને ગરીબોના ખિસ્સા હળવા કરી મૂડીવાદીઓના ખિસ્સા ભરવામાં આવે છે.ગરીબોની દુર્દશામાંથી નફાખોરી અટકાવો અને ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોના હાથમાં રૂપિયા મૂકો.રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર મોદી સ્ટોપ લૂટીંગ ઈન્ડિયા હેશટેગનો ઉપયોગ કર્યો હતો. આ સાથે તેમણે સોનિયા ગાંધીએ લખેલા પ્રધાનમંત્રીને પત્રને પણ શેર કર્યો હતો. આ અગાઉ રાહુલે લોકોને સીધી આર્થિક મદદ માટે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.